સરકારી આયુર્વેદ-હોમિયોપથી કોલેજોની ૨૯ ખાલી બેઠકો માટે આજથી કાર્યવાહી

અમદાવાદ,તા:૦૯

રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી કોલેજોમાં ૨૯ જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે હવે નવેસરથી એક દિવસનો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓ આ બેઠકો પર પ્રવેશ ઈચ્છતા હોય તેઓએ આવતીકાલે તા.૧૦ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યા સુધી ચોઈસ ફીલિંગની પ્રક્રિયા કરવાની રહેશે.
સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપથીમાં ૫૮૧ જેટલી બેઠકો ખાલી પડી હતી. આ ખાલી બેઠકો ભરવાની સત્તા નિયમ પ્રમાણે કોલેજોને સોંપી દેવામાં આવી હતી.

જ્યારે સરકારી કોલેજોમાં ૬૫ હોમિયોપથી અને ૧૬ આયુર્વેદ કોલેજોમાં બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા તાજેતરમાં એક વધારાનો રાઉન્ડ કરવામાં આવ્યો હતો. આ રાઉન્ડ કર્યા પછી પણ ૨૯ બેઠકો ખાલી પડી હતી. સરકારી કોલેજોની બેઠકો ખાલી હોવાથી આ બેઠકોનો લાભ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પ્રવેશ સમિતિએ વધારાનો રાઉન્ડ કરવાનું નક્કી કર્યું છે. આ માટે આવતીકાલે સવારે વિદ્યાર્થીઓએ સાંજે ૪ વાગ્યા સુધી ખાલી પડેલી બેઠકો પર ચોઈસ આપવાની રહેશે. સાંજ ૬ વાગ્યે ચોઈસની જાહેરાત કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે તા.૧૧ ઓક્ટોબરે સવારે ૧૦ વાગ્યે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓએ તા.૧૧ ઓક્ટોબરે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. પ્રવેશ સમિતિનાં સૂત્રો કહે છે કે, આયુષ વિભાગે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયમર્યાદામાં વધારો કરીને તા.૧૫ ઓક્ટોબર સુધી લંબાવતાં હવે આ ખાલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જે બેઠકો ખાલી પડી છે તેમાં ભાવનગર આયુર્વેદમાં ૩, ગાંધીનગર આયુર્વેદમાં ૧, સિદ્ધપુર હોમિયોપથીમાં ૮, આણંદ હોમિયોપથીમાં ૪, આણંદની અન્ય સરકારી હોમિયોપથીમાં ૨, વડોદરા હોમિયોપથીમાં ૪, મહેસાણા હોમિયોપથીમાં ૭ મળીને કુલ ૨૯ બેઠકોનો સમાવેશ થાય છે. આયુર્વેદમાં માત્ર ૪ બેઠકો ખાલી પડી છે, જેની સામે હોમિયોપથીમાં ૨૫ બેઠકો ખાલી પડી છે. આ રાઉન્ડ પછી હવે કોઈ રાઉન્ડ કરવામાં આવશે નહીં.