અમદાવાદ, તા. 12
ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજીમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં ફરીએકવાર તેમની ઉલટતપાસ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ચૂડાસમાને મતગણતરીનાં સીસીટીવી ફૂટેજ બતાવીને ઉલટતપાસ કરી હતી. તેમની પૂછપરછ આજે પૂર્ણ થઈ છે અને હવે આ અરજીની વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.
સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ
હાઈકોર્ટમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્યનાં કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમને ધોળકા વિધાનસભા મતગણતરીનાં સીસીટીવી ફૂટેજ બતાવીને કેટલાંક સવાલ કરવામાં આવ્યા હતા. આ સીસીટીવી ફૂટેજને લઈને અગાઉ ચૂંટણી અધિકારી ધવલ જાનીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અને કોર્ટે તે સમયે સીસીટીવીમાં રહેલા અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિને લઈને જાનીની પૂછપરછ કરી હતી. જોકે, જાનીએ કોર્ટમાં હજુ સુધી કોઈ જવાબ નહિ આપ્યો હોવાનું કોર્ટે જણાવ્યું હતું. ત્યારે આજે આ જ ફૂટેજનાં આધારે ચૂડાસમાને સવાલ કરાયો હતો અને ફૂટેજમાં દેખાતા સફેદ શર્ટ પહેરેલી વ્યક્તિ વિશે પૂછપરછ કરી હતી. જેમાં તેમણે એવું કહ્યું હતું કે, તે મારી ઓફિસના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી મહેતા સાહેબ છે.
આ ફૂટેજના આધારે ચૂડાસમાને વિવિધ સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. જેમાં તેમણે લગભગ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. આજે ચૂડાસમાની જુબાની પૂર્ણ કરી દેવામાં આવી છે. અને હવે આગામી સુનાવણી 17મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
શું છે હાઈકોર્ટમાં થયેલી અરજીનો મામલો?
ભૂપેન્દ્રસિંહ ચૂડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણપ્રધાન અને કાયદાપ્રધાન છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી.