[:gj]સોનામાં રચાતી લાંબાગાળાની મજબૂત તેજીની સાયકલીકલ મોમેન્ટમ [:]

[:gj]ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૪: સ્થિર અને ધીમી ગતિએ સોનું બુલીશ મોમેન્ટમ ધારણ કરી રહ્યું છે, અમારું માનવું છે કે બુલિયન બજારનું આવું મજબૂત વલણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. મુંબઈ સ્થિત રિદ્ધિસિદ્ધિ બુલીયનના સીઈઓ અને ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)ના પ્રેસિડેન્ટ પૃથ્વીરાજ કોઠારીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે નવી સાયક્લીક્લ તેજીમાં આગામી એકાદ બે વર્ષમાં શક્ય છે કે સોનાના ભાવ ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવી જવાની સંભાવના છે. એવું લાગે છે કે રોકાણકારના પોર્ટફોલીયોમાં સોનાનાં માનસન્માન પુન: પ્રજ્વલિત થયા છે. સરકારો જ્યારે નકારાત્મક વ્યાજદરો ઓફર કરવાની સ્પર્ધામાં લાગી છે, ત્યારે સોનાચાંદી આપોઆપ તમને સલામતીની અપીલ કરવા લાગ્યા છે. અર્થતંત્રોમાં નબળાઈની શરૂઆત હજુ હમણા જ શરુ થઇ છે, અમેરિકા ચીનનાં ટ્રેડવોર અને ઈકોનોમી ક્ષેત્રે પ્રવર્તતી અનિશ્ચિતતાઓએ સોનાને પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૧૫૦૦ ડોલરના લેવલ પર મૂકી દીધું છે.

આઠ વર્ષ અગાઉ ૨૩ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ સોનાના ભાવ ૧૯૦૯.૩૦ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ બોલાયા હતા. ઓક્ટોબર ૨૦૨૦મા અમેરિકન પ્રમુખની ચૂંટણી અને સ્થાનિક અર્થતંત્રની નબળાઈ સંયુક્ત રીતે તેજીના મુખ્ય ચાલકબળ બની રહેવાના. અલબત્ત, યુએસ ફેડરલ રીઝર્વે વ્યાપક અપેક્ષાઓ મુજબ જ વ્યાજદર ઘટાડ્યા પછી, ફેડ ચેરમેન જેરોમ પોવેલે આગામી નાણાનીતિ બાબતે ટ્રેડરોને અધ્ધરતાલ રાખ્યા છે. ૧૯૮૬ પછી પહેલી વખત ૭:૩ની વ્યાપક તફાવતવાળી વોટીંગ પેટર્નથી વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. હવે ટ્રેડરોએ, યુદ્ધખોર ચીન અને અમેરિકા આગામી મહિનાઓમાં શુ નિર્ણય લે છે તેના પર નજર રાખવાની રહેશે.

નીચા વ્યાજદર અને ગ્લોબલ આર્થિક નબળાઈના મિશ્રણ થકી સેન્ટ્રલ બેંકો પણ હવે સોનામાં લેવાલ બનશે, જે ભાવને ઊંચા રાખવામાં મદદ કરશે. છેલ્લા ૯ વર્ષમાં ૨૦૧૯ પહેલું વર્ષ છે, જેમાં સેન્ટ્રલ બેન્કોએ પ્રમાણમાં વધુ સોનું ખરીદ્યું હોય, રીટેઈલ રોકાણકારોએ આ મુદ્દા પર નિશ્ચિતપણે પુન:વિચાર કરવો જોઈશે. અમારું માનવું છે કે વૈશ્વિક અર્થતંત્રો ધીમા પડી રહ્યા છે, ત્યારે સોનાચાંદી અને તેને આધારિત પ્રોડક્ટોમાં રોકાણ માટેની તકો વધુ ઉજળી બનવા લાગી છે. ભારતમાં સોનાના ભાવ અન્ય દેશ કરતા વધુ વેગથી વધી રહ્યા છે ત્યારે છેલ્લા છ વર્ષમાં પહેલી વખત રોકાણકારોનું આકર્ષણ ગોલ્ડ ઇટીએફમાં મોટાપાયે વધ્યું છે. ડીસેમ્બર ૨૦૧૨ પછી પહેલી વખત એકલા ઓગસ્ટમાં રોકાણકારોએ લગભગ ૧.૪૫ અબજ રૂપિયા (૨૦૦ લાખ ડોલર) ગોલ્ડ ઈટીએફમાં ઠાલવ્યા હતા.

જ્યારે બોન્ડ યીલ્ડ નકારાત્મક ઝોનમાં જતા રહ્યા છે, ત્યારે યીલ્ડ વગરની એસેટ્સ ગણાતા સોનામાં આખા વિશ્વના રોકાણકારોની લેવાલી સતત વધી રહી છે. અત્યારે ૧૫.૩ ટ્રીલીયન ડોલરના બોન્ડ એવા છે, જે તેની પાકતી તારીખે રોકાણકારને નકારાત્મક વળતર આપશે. ૨૦૧૦ પછી પહેલી વખત સોના માટે ઉત્તમ વળતરદાયી ગણાયું છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ, ૨૨ ટકા વધીને હાલમાં ૧૫૨૫ ડોલર બોલાઈ રહ્યા છે. મહત્તમ રોકાણકારએ જાણે છે કે વોરેન બફેટ સોનાના એક બાજીગર મંદીવાળ તરીકે નામના ધરાવે છે. કદાચ ઘણા, એ નથી જાણતા કે આ બાજીગર રોકાણકાર કેટલાંક સમય માટે ચાંદીના તેજીવાળા પણ હતા.

વોરેન બફેટએ પાંચ ડોલરમાં ફીઝીકલ ચાંદી કોર્નર કરી હતી અને ૨૦૦૬મા સરેરાશ ૧૩ ડોલરના ભાવે તેજીની જાજમ ખેંચી લીધી હતી. બફેટ ચાંદીના સટ્ટામાંથી વહેલા નીકળી ગયા હતા, ત્યાર પછીના થોડાજ વર્ષમાં ૨૮ એપ્રિલ ૨૦૧૧ના રોજ ભાવ ૪૯.૫૨ ડોલરની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ મુકાયો હતો. છેલ્લા ૨૦ વર્ષમાં રીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એસેટ્સ પછી બીજા નંબરે સૌથી વધુ સોનાએ ૪૮૫ ટકા વળતર આપ્યું હતું, તેમ છતાં બફેટ સોનાથી દૂર રહીને ચાંદીને જ કેમ પ્રેમ કરી બેઠા? પણ હવે બફેટ પણ પોતાની વ્યૂહરચના વિષે પુન:વિચાર કરવા લાગ્યા છે.

છુટક રોકાણકારો જ હાલમાં સોનું ભેગું કરી રહ્યા છે, એવું નથી. ચીન અને રશિયાની આગેવાનીમાં હવે તો સેન્ટ્રલ બેંકો પણ તેમના ડાયવર્સીફાય પોર્ટફોલીયોમાં ડોલરથી દૂર જવા, સોનું ખરીદવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રશિયાએ તેની સુવર્ણ અનામત છેલ્લા એક દાયકામાં ૪૦૦ ટકા વધારી છે, પાછલા એક વર્ષમાં તે ૪૨ ટકા વધારીને ૧૦૯.૫ અબજ ડોલરની કરી છે. અમેરિકા સામે ટ્રેડ વોરના જોખમને નિવારવા, ચીને ડીસેમ્બર પછીથી અત્યાર સુધીમાં ૧૦ ટન ગોલ્ડ રીઝર્વ વધારી છે. ચીન જગતનો સૌથી મોટો સુવર્ણ ઉત્પાદક અને ગ્રાહક દેશ હોવા છતાં, સપ્ટેમ્બર સુધીમાં તેની કુલ અનામતમાં ગોલ્ડ હોલ્ડીંગ માત્ર ૨.૮ ટકા જેટલુ જ, વિશ્વમાં સૌથી ઓછું હતું.[:]