ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે ‘સોટો’ (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. કેમ કે અત્યાર સુધી આવી કોઈ સંસ્થા ગુજરાતમાં નહોતી. ‘સોટો’ની રચનાથી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ રહેલા ડોનર દ્વારા દર્દીનો સંપર્ક કરી શકાશે. ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં 2017માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 180 લોકોએ અંગદાન કર્યું હતું. જેમાંથી અડધા એટલે કે 91 ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. અમદાવાદમાંથી 28 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હોવાનું ‘ડોનેટ લાઈફ’ દ્વારા જાહેર કરાયું હતું. ભાવનગરમાંથી 26 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. 2017માં 106 કેડેવર કિડની ડોનેશનમાંથી 52 સુરતમાંથી થઈ હતી. 17 કિડની ડોનેશન સાથે ભાવનગર બીજા અને અમદાવાદ 15 સાથે ત્રીજા સ્થાને છે. 2017માં 62 લીવર ડોનેશનમાંથી 28 સુરતમાં થયા હતા. ગુજરાતમાંથી કુલ 10 લોકોએ હાર્ટ ડોનેટ કર્યું હતું અને તેમાંથી 9 સુરતના હતા.