અંદાજ ન્હોતો કે આટલી મોટી સંખ્યામાં મજૂર મળશે!: ..

અમદાવાદ, તા.14

અમદાવાદ પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. નિકોલ પોલીસે રાજ્યના સૌથી મોટો ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટનો પર્દાફાશકર્યો છે. રણાસણ ટોલટેકસ પાસે આવેલા બામ્બા ફાર્મમાં ગોંધી રખાયેલા એક ડઝન કિશોર સહિત 94 પરપ્રાંતિય મજૂરોને મુક્તકરાવ્યા છે. મુક્ત કરાયેલા મજૂરોમાં મોટાભાગના આસામ અને નાગાલેન્ડના છે. આ ઉપરાંત કેટલાક પશ્ચિમ બંગાળના પણ છે.નિકોલ પોલીસે કઠવાડા જીઆઈડીસીમાં આવેલી દવાની ફેકટરીમાં મજૂરો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર મુકેશ ભરવાડ તેમજ આસામ અને નાગાલેન્ડના બે પેટા કોન્ટ્રાકટરની ધરપકડ કરી છે.

બામ્બા ફાર્મમાં સાત કલાક ચાલેલું ઓપરેશન

ગઈકાલે શુક્રવારની મોડી સાંજે બાતમીના આધારે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી.ઝાલા તેમના ત્રણ પીએસઆઈઅને 16 પોલીસ જવાનની સાથે મુકેશ ભરવાડના બામ્બા ફાર્મ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ 94 પરપ્રાંતિયમજૂરો મળી આવ્યા હતા. જેમાં 12 કિશોર વયના તેમજ 82 પુખ્તવયના છે. રાતે નવ વાગે શરૂ થયેલું રેસ્કયુ ઓપરેશન વહેલીપરોઢના ચાર વાગે પૂર્ણ થયું હતું. નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.જે.પરમારે સરકાર તરફે ફરિયાદ નોંધાવતા મુકેશ ભરવાડ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, મુકેશ ભરવાડે આસામના દિબ્રુગઢ લાહવાલમાં આઈશ્રી ખોડીયાર પેકેજીંગનાનામથી છેલ્લા 10 વર્ષથી ઓફિસ ખોલી છે. કઠવાડા જીઆઈડીસી ખાતે પણ શ્રી ખોડીયાર પેકેજીંગ એન્ડ લેબર કોન્ટ્રાકટરના નામથી ઓફિસ ચલાવે છે. મુક્ત કરાવાયેલા તમામ લોકો કઠવાડામાં આવેલી જીએસપી કોપ સાયન્સ પ્રાઈવેટ લિમીટેડ નામની દવાની કંપનીમાં મજૂરી કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં દવાની ફેકટરીના માલિક કેનલ બ્રિજમોહન શાહ (રહે. મણીકમલ સોસાયટી, થલતેજ) હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં સંડોવાયેલા તમામ લોકોને આરોપી બનાવવામાં આવશે.

ફેકટરી માલિક તેમજ ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે શ્રમ રોજગાર વિભાગ, બાળ કલ્યાણ વિભાગ, ઈન્ડસ્ટ્રીઝ કમિશનર સહિત લાગતા વળતા તમામ વિભાગોની પોલીસ મદદ લેશે. મુક્ત કરાયેલા તમામ લોકોના મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે.

જેસીપી વિશ્વકર્માએ બાતમી આપી

રાયસણ ટોલટેક્સ બુથ પાસેના ફાર્મમાં ગોંધી રખાયેલા પરપ્રાંતિય મજૂરોની માહિતી જેસીપી અમિત વિશ્વકર્માએ ડીસીપી અક્ષયરાજ મકવાણાને આપી હતી. વિશ્વકર્માએ આ અંગે જણાવ્યું હતું કે, કેટલાક લોકોને ગોંધી રખાયા છે તેવી માહિતી નાગાલેન્ડના બેચ મેટ અધિકારીએ આપી હતી. મારું કાર્યક્ષેત્ર નહીં હોવાથી ડીસીપી ઝોન-5ને જાણ કરી હતી.

આઈપીએસ વાબાંગ જામીર તપાસમાં મદદ કરશે

આઈબીમાં આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા અને મૂળ નાગાલેન્ડના વતની વાબાંગ જામીર આ કેસની તપાસમાં મદદ કરશે. જામીર મુક્ત કરાયેલા લોકોમાં નાગાલેન્ડના રહિશો પાસેથી સાચી માહિતી જાણવા માટે તેમની મદદ લેવાશે. મુક્ત કરાયેલા લોકોમાં કેટલાકને માત્ર નાગા ભાષા જ આવડે છે.

મજૂરીએ જવાની ના પાડે તો માર પડતો, ખાવાનું પણ ના મળે

આસામના દિબ્રુગઢના સુજીત દીરવાલ (ઉ.25)ના ચહેરા પર ઈજાના નિશાન પોલીસને જોવા મળ્યા છે. સુજીતે જણાવ્યું હતું કે, તબિયત સારી ના હોય અને કામ પર જવાની ના પાડીએ તો માર મારવામાં આવતો હતો અને સજાના ભાગરૂપે ખાવાનું પણ મળતું ન હતું. એક અન્ય યુવકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે બાર-બાર કલાક મજૂરી કરાવવામાં આવતી અને પૂરતું ખાવાનું તેમજ ઉંઘ પણ મળતી ન હતી.

બંધકોને લઈ જવા માટે ટ્રક-ટેમ્પા મંગાવ્યા

અમે ફાર્મ પર રેડ પાડી ત્યારે 90થી વધુ લોકો મળી આવ્યા હતા. અમને જરા સરખો પણ અંદાજ ન્હોતો કે આટલી મોટી સંખ્યા હશે. આ શબ્દો છે નિકોલ પીઆઈ એચ.બી.ઝાલાના. તમામ લોકોને રેસ્કયુ કરીને પોલીસ સ્ટેશન લાવવા માટે ખાનગી મીની ટ્રક અને ટેમ્પા મંગાવ્યા હતા. પોલીસ ટીમ માત્ર ત્રણ જીપ લઈને રેડ કરવા ગઈ હતી.

પરપ્રાંતિય મજૂરોની સાથે સારો વ્યવહાર કરવા ડીસીપીએ સૂચના આપી

મુક્ત કરાયેલા પરપ્રાંતિય યુવકો અને કિશોરો સાથે સારો વ્યવહાર કરવા ડીસીપી અક્ષયરાજ મકવાણાએ નિકોલ પોલીસને સૂચના આપી છે. મિડીયા સમક્ષ ફોટાગ્રાફી અને વિડીયોગ્રાફી માટે તમામ લોકોને મેદાનમાં ઉભા રાખેલા જોઈને ડીસીપી અક્ષયરાજે તુરંત તમામને એક બાજુ શાંતિથી બેસી જવા અને આ લોકો આરોપી નથી તેમ કહ્યું હતું.

એક મજૂર લાવીએ તો 900 રૂપિયા કમીશન મળે

લેબર કોન્ટ્રાક્ટર મુકેશ ભરવાડ છેલ્લા દસેક વર્ષથી કામ કરી રહ્યો છે. વર્ષ દહાડે 100 જેટલા લોકોને ફેક્ટરી-કંપનીઓમાં મજૂરી કામ માટે મોકલે છે. ખમકી નામના એક પેટા કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, એક માણસ લાવીએ તો 900 રૂપિયા જેટલી રકમ મળે છે. બીજી તરફ મુકેશ ભરવાડ કોઈને કમીશન આપતો નહી હોવાનો દાવો કરે છે.

નરોડાના સ્વાતિ કેમિકલમાં પણ મજૂરો સપ્લાય કરાયા છે

ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં ફસાયેલા મુકેશ ભરવાડે પૂછપરછ દરમિયાન નરોડાના સ્વાતિ કેમિકલ્સમાં પણ 20 મજૂરો પૂરા પાડ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસને આશંકા છે કે, અન્ય ફેકટરીઓમાં પણ મુકેશ ભરવાડે મજૂરો સપ્લાય કર્યા છે. જેથી આ અંગેની તપાસ શરૂ કરાઈ છે.

મુકેશ મહિને લાખો રૂપિયા કમાય છે

ફેકટરીઓમાં લેબર સપ્લાય કરનાર મુકેશ ભરવાડને જે તે કંપની પગાર ચૂકવે છે. જ્યારે મુકેશ તે પગારમાંથી કેટલીક રકમ પોતે રાખી લઈને મજૂરી કામ માટે આવેલા લોકોના પરિવારને આસામમાં રોકડેથી તેમજ કેટલાકને હાથો હાથ પગાર આપે છે. આ મામલે પોલીસ ફેકટરી માલિકની પૂછપરછ કરવામાં આવશે તેમજ તેમની કર ચોરીમાં સંડોવણી સામે આવશે તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરાશે.

વર્ષ અગાઉ 70 લોકોને ફલાઈટમાં વતન મોકલ્યા હતા – મુકેશ ભરવાડ

એક વર્ષ અગાઉ 70 લોકોને મારા ખર્ચે ફલાઈટમાં વતન મોકલ્યા હતા તેવું ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસના આરોપી મુકેશ ભરવાડે જણાવ્યું છે. મારા કહેવા પર બે મહિના વધુ રોકાયેલા 70 જેટલા યુવકોને ખુશ થઈને નવરાત્રી પહેલા પ્લેનમાં મોકલ્યા હતા. રાજ્યમાં પરપ્રાંતિય લોકો પર હુમલા થવાની ઘટનાઓ બની ત્યારે તમામ લોકોને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા અને તેને લઈને ડીસીપી નિરજ બડગુજર સહિતના પોલીસ અધિકારીઓએ સન્માન કર્યું હતું.

વતનમાં જવા રજા નહીં અપાતી હોવાની રજૂઆત

વતનમાં જવા માટે રજા નહીં મળતી હોવાની મુખ્ય ફરિયાદ મુક્ત કરાયેલા પરપ્રાંતિય યુવકો અને સગીરોએ કરી છે. ફેકટરીનું પ્રોડકશન ટાર્ગેટ પૂરૂ કરવા માટે 10થી 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને સામે વળતર સામાન્ય અપાય છે. જમવા,રહેવા સાથે છથી આઠ હજાર પગાર ચૂકવાતો હતો. જો કોઈ યુવક કે સગીર રજા ના મળે અને ભાગી જાય તો તેમના જ કેટલાક સાથીઓ શોધી લાવતા અને તેમને સજા આપતા હતા.