અંધ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર કામાંધ બે શિક્ષક પાલનપુરથી પકડાયા

પાલનપુર, તા.-08 

અંબાજીમાં અંધશિક્ષકો દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકી દુષ્કર્મની ઘટનાએ રાજ્ય ભરમાં ચર્ચા ફિટકારની લાગણી વરસી છે. મામલાની ગંભીરતાના પગલે પોલીસે બન્ને આરોપીઓના ઘરની બુધવારે તપાસ હાથ ધરી હતી. જેના પગલે બન્ને હવસખોર અર્ધ અંધશિક્ષકોને પાલનપુર નજીકથી દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે. આ ઉપરાંત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ અને સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટસ આગામી દિવસોમાં પીડિત બાળાની મુલાકાત કરશે. કેન્દ્રીય મહિલા આયોગે રાજ્યના ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રીને મેલ કરીને મામલાથી અવગત પણ કરાવ્યા છે.

રાજયભરમાં ચકચાર જગાવનાર અંબાજી દુષ્કર્મ મામલામાં આરોપી જયંતિ ઠાકોર અને ચમન ઠાકોરને પાલનપુર નજીકથી ઝડપી લીધા હતા. બંને જણાં પાછલા 3 દિવસથી ઘરે ગયા ન હોતા દરમિયાન બાતમી મળી હતી જે આધારે પકડ્યા હતા. પાલનપુર નજીક લાલવાડા ગામ નજીકથી ફરાર થવાની ફિરાકમાં હતા ત્યાંથી અંબાજી પોલીસે અટકાયત કરી છે. નરાધમ શિક્ષકોએ પ્રજ્ઞાશાળામાં જ અલગ અલગ રૂમમાં બાળકીની મજબૂરીનો લાભ ઉઠાવી વારંવાર બે મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. દિવાળી વેકેશનમાં બાળકી ઘરે ગયા બાદ સમગ્ર ઘટના સામે આવી હતી.

પોલીસે આરોપીઓને ઝડપી પોસ્કોની કલમ મુજબ જ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્યા ડો.રાજુલ દેસાઇએ જણાવ્યું હતું કે આ કેસમાં બાળકીની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોવાથી મામલો ચાઇલ્ડ પ્રોટેક્શન રાઇટ્સમાં આવે છે. જેથી રાજ્ય અને રાષ્ટ્રીય બંને બાળ સંરક્ષણ આયોગમાં આ અંગે જાણ કરાઇ છે અને જેઓને ઇન્કવાયરી ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત સરકારના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ મેલ દ્વારા જાણ કરી સમગ્ર મામલાની ગંભીરતા પૂર્વક તપાસ કરવા જણાવ્યું છે.