અંબાજીમાં પ્રજ્ઞાચક્ષુ છાત્રા પર દુષ્કર્મની ઘટનામાં કેન્દ્રીય મહિલા આયોગે રાજ્ય મહિલા આયોગ પાસે રિપોર્ટ માગ્યો

પાલનપુર, તા.૦૭ 

અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની 15 વર્ષિય સગીરા પર બે કામાંધ અંધ શિક્ષકોએ આચરેલા દુષ્કર્મ બાદ પણ જિલ્લાનું શિક્ષણ તંત્ર સમાજ સુરક્ષા વિભાગ હજુ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો છે ત્યાં કેન્દ્રીય મહિલા આયોગના સદસ્યાએ ઘટનાની ગંભીરતા લઈ સમગ્ર મામલે રાજ્ય મહિલા આયોગને ઘટના સ્થળની મુલાકાત લેવા મામલાની ન્યાયિક તપાસ કરવા ડીજીપીનું ધ્યાન દોરવા તેમજ પ્રજ્ઞાચક્ષુ શાળાઓમાં દીકરીઓની સ્થિતિ અંગે તપાસના આદેશો જારી કરવા રાજ્ય સરકારને કહેવા જણાવ્યું છે. બીજી બાજુ પોલીસે બંને દુષ્કર્મી શિક્ષકો ચમન ઠાકોર અને જ્યંતી ઠાકોરના ઘરે તપાસ કરી હતી. હજુ બંને ધરપકડથી દૂર છે.

અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની 15 વર્ષિય સગીરા પર બે કામાંધ અંધ શિક્ષકોએ આચરેલા દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ સંચાલકોએ આરોપી અંધ શિક્ષકોને બચાવવા જાણે કે પેરવી કરી હોય તેમ પોલીસને જાણ કરવાના સ્થાને પરિવારને જાણ કરી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા.

ઘટનાને પગલે કેન્દ્રીય મહિલા આયોગનાં સદસ્યા ડૉ.રાજુલ દેસાઇએ જણાવ્યું હતું કે “આ ઘટના અત્યંત ધ્રુણાસ્પદ છે. હું તાત્કાલિક રાજ્ય મહિલા આયોગને રિપોર્ટ કરવાનું કહું છું. આ પ્રકારની ઘટના ક્યારેય ચલાવી લેવાય નહીં. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે કામ કરવા હું ગુજરાતના ડીજીપીને ફોન કરીને જાણ કરીશ. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની આખરે કોના ભરોસે? તેના સલામતીની ચિંતાની જવાબદારી જે સમાજ પર છે એજ આવું કરશે તે કેટલું વ્યાજબી? પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતાનો અવાજ કેવી રીતે ઉઠાવી શકે? તે પોતાની પીડા કોને કહી શકે? સમાજ માટે આ ચિંતાજનક કેસ છે. રાજ્ય સરકારે પણ આ કેસમાં ખાસ કિસ્સામાં રસ લઈ અલગથી ગાઈડલાઈન બનાવી જ્યાં પ્રજ્ઞાચક્ષુ બાળાઓ ભણતી હોય ત્યાં ફરજિયાત તેમની દેખરેખ માટે મહિલાઓ રાખવામાં આવે.

“મામલાની ગંભીરતા એ હદે છે કે જિલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક આશ્રમ શાળાઓમાં માસૂમ બાળકીઓ આ પ્રકારેજ રહેતી હોય છે ત્યારે જિલ્લાની તમામ આશ્રમ શાળાઓમાં પણ ગુપ્ત રાહે તપાસ કરી સમગ્ર મામલે કાર્યવાહી કરવી જોઈએ તેવો સુર સભ્ય સમાજમાં ઉઠી રહ્યો છે.

જયંતિ વીરચંદ ઠાકોર નામનો આરોપી ભાભર તાલુકાના ભીમબોરડી ગામનો વતની છે. જ્યારે ચમન લાલ મૂળાજી ઠાકોર નામનો આરોપી પાલનપુર તાલુકાના ગઢ ગામનો વતની છે. અંબાજી પોલીસે બન્ને આરોપીઓના ઘરે તપાસમાં ગઈ હતી. પોલીસ ચોપડે હજુ બંને આરોપીઓ ફરાર દર્શાવાયા છે.”

દુષ્કર્મ આચરનાર ચમન ઠાકોર ટ્રસ્ટી મંડળમાં

અંતરિયાળ અંબાજી વિસ્તારના આદિવાસી વિકલાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોને દાતાઓના સહકારથી જુદી જુદી લેખન કૌશલ્ય સંગીત અને બ્રેઇલ લિપિ સહિતની અભ્યાસ લક્ષી પ્રવૃતિઓ શીખવી શકાય તે હેતુથી પાલનપુરના ટ્રસ્ટીઓ દ્વારા નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ બનાવાયું છે. જેમાં જે નિવૃત્ત સંગીત શિક્ષક ચમન ઠાકોરનું નામ આરોપીમાં છે તે ટ્રસ્ટી મંડળમાં પણ હોવાનું સામે આવ્યું છે.