સુરતના કેટલાક શોપિંગ કોમ્પલેક્સોમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતે તપાસ શરૂ કરી હતી અને જે શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત જણાઈ હતી, તેને લઇને શોપિંગ સેન્ટરના માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. નવેમ્બર 2018માં આગમ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી. જેમાં બાળકો અને શિક્ષિકાનું મોત થયું હતું.
ત્યાર બાદ સુરતમાં 10 જેટલા અગ્નીશામક દળની ટૂકડી બનાવીને શોપિંગ સેન્ટરોના ફાયર સેફ્ટીના સાધનોની તપાસની કામગીરી કરવામાં આવી હતી. નોટીસ આપી હોવા છતાં પણ ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા ઊભી કરવામાં ન આવતા શોપિંગ સેન્ટરો અને દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની કામગીરી દરમિયાન સુરતના 16 જેટલા શોપિંગ સેન્ટરોને સીલ મારવામાં આવ્યા હતા અને આ તમામ શોપિંગ સેન્ટરોમાં અંદાજિત 1,000થી 1,200 દુકાનો આવેલી છે.
સીલ કરવામાં આવેલા મોટાભાગના શોપિંગ સેન્ટરોમાં ફાયરના સાધનો છે, પરંતુ સાધનો કામ કરતા નથી, તો કેટલાક સાધનોની બે વર્ષ પહેલા એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ શોપિંગ સેન્ટરના માલિકો દ્વારા નવા સાધનોની સુવિધા ન કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા શોપિંગોનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.