અજગરને જીવતો આગમાં હોમી દેનારા 4 જંગલી સામે ગુનો

ડીસા, તા.૨૦
ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવી આગમાં હોમી વીડિયો વાઇરલ કરવાનું જંગાલિયતભર્યું કૃત્ય આચરનારા તત્વો સામે વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે ફરિયાદ નોંધી આકરી વલણ અપનાવ્યું છે. વન વિભાગે ગ્રામજનો અને સરપંચની પૂછપરછ બાદ ગામના ચાર યુવકોના નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ શનિવારે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જોકે, ઘટના સામે આવ્યાના 60 કલાક બાદ પણ વન વિભાગ કે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.

બોડાલ ગામમાં મોજશોખ અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે ગામના જ યુવાનોએ અજગરને જીવતો સળગાવ્યા બાદ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જે મામલે ડીસા વિસ્તરણ રેન્જના આરએફઓ વિનોદ દેસાઇએ તપાસ બાદ ડીસાની જયુડિશિયલ ફર્સ્ટ કલાસની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવ્યું છે કે “વન્ય પ્રાણી અપરાધ અંગેનો ગુનો સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળતાં તપાસ હાથ ધરી હતી. જેમાં સરપંચ તેમજ ગ્રામજનો દ્રારા યુવકોની ઓળખવિધિ કરાઇ હતી.જોકે તમામ યુવકો નાસી છૂટયા હતા.

પીશાચી આનંદ માટે અબોલ જીવ સાથે જંગાલિયતભર્યા કૃત્યનો વીડિયો જોનારા હચમચી ગયા

અજગર સળગાવ્યા બાદ ઘટનાનું લોકેશન શોધવા વન વિભાગના 25 કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી અજગરની અને ઘટનાને અંજામ આપનાર આરોપી યુવકોની શોધખોળ આદરી છે. દાંતીવાડા, ડીસા, અમીરગઢ ફોરેસ્ટ વિભાગના 3 આરએફઓ, 12 ફોરેસ્ટર તથા 10 બીટગાર્ડ જુદા જુદા લોકેશન પર શોધખોળ હાથ ધરી છે. જોકે સ્થાનિકો દ્વારા વન વિભાગને પૂરતો સહકાર નથી મળી રહ્યો, જેથી કોઈ જ કડી હજુ સુધી હાથ લાગી નથી.

જે તત્વો સામે ફરિયાદ નોંધાઇ છે તેમાં શ્રવણજી ખેમાજી ઠાકોર, પ્રભાતજી ઉર્ફે મોકાજી શંભુજી ઠાકોર,પુનમાજી હાલુંજી ઠાકોર, હકાજી ચચાજી ઠાકોર (તમામ રહે.બોડાલ), અન્ય અજાણ્યા ઈસમોનો સમાવેશ થાય છે.

વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 મુજબનો ગુનો નોંધી અધિનિયમ કલમ 2(16), 2(36), 2(37), 9, 50, 51, 52 મુજબનો ગુનો નોંધાયો છે.જેમાં ત્રણથી સાત વર્ષ સુધી સજાની જોગવાઇ છે.

બનાવ બાદ તમામ શખ્સો ફરાર થઇ ગયા હતા. ત્યારે વન વિભાગે તમામ શખ્સોને ઝડપી લેવા માટે ભીલડી પોલીસ મથકે રજૂઆત કરી છે.