રાપર તાલુકાના થોરીયારી ગામે ખરીદેલી ખેતીની જમીન બોગસ દસ્તાવેજોના આધારે અમદાવાદની મહિલા ઉદ્યોગપતિની બારોબાર વેચાઈ ગઈ છે. અજન્તા મેન્યુફેક્ચર કંપનીના મહિલા ડાયરેક્ટર આશ્કા સી. ભાલોડીયાની 2013માં ખરીદેલી ખેતીની જમીન 12 લોકોએ ખોટું પાવરનામું બનાવી બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટી રેવન્યૂ નોંધો પડાવી દીધી છે.
અમદાવાદના જોધપુર ટેકરા ખાતે રહેતા આશ્કાએ 8મી ફેબ્રુઆરી 2013નાં રોજ તેમણે જય રાકેશ પટેલ પાસેથી થોરીયારી ગામની સર્વે નંબર 261 વાળી જમીન હે.આરે.ચો.મી. 4-93-72 જૂની શરતની ખેતીની જમીન ખરીદી હતી. 23-10-2018ના રોજ તેમણે જમીનના દસ્તાવેજમાં તેમની દીકરી આર્યાનું નામ દાખલ કરાવવા પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે, સર્કલ ઑફિસરે 10-12-2018નાં રોજ તેમની દીકરીનું નામ દાખલ કરવાની નોંધ નામંજૂર કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
થોરીયારીના દલપતરામ છગનદાસ સાધુએ 16 જૂન 2014માં કનૈયાલાલ, કુંવરબેન, કસ્તુરબેન, મંજુલાબેન અને સવિતાબેનના નામ ચઢાવી દીધા હતા. સ્ટેમ્પ પેપરમાં તેમના અસલી ફોટોના બદલે કોઈ અજાણી મહિલાનો ફોટો ચોંટાડવામાં આવેલો. ખોટા સહી-અંગુઠા કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજમાં ભરત હરગોવિંદ સાધુએ સાક્ષી તરીકે સહી કરી હતી અને તેને મહારાષ્ટ્રના ડી.આર.કુડગીરી નામના નોટરી પાસે નોટરાઈઝ કરાવાયું હતું. જમીન થોરીયારીના સક્તા રાજા ભરવાડને વેચી મરાઈ છે. સક્તા ભરવાડે વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર દલપતરામ છગનદાસ સાધુનું ખોટુ સોગંદનામું ઉભું કરી પોતાના ઓળખપત્ર વગેરે સાથે વેચાણ દસ્તાવેજ તૈયાર કરી રાપર સબ રજિસ્ટ્રારમાં રજિસ્ટ્રેશન કરાવી પ્રમાણિત નકલ મેળવી લીધી હતી. આ દસ્તાવેજમાં ભરત હરગોવિંદ સાધુ અને જગદીશ નંદરામ સાધુએ સાક્ષી તરીકે ઓળખ આપી હતી. આશ્કાબેન ભાલોડીયાએ અજાણી સ્ત્રી, મહારાષ્ટ્ર-રાપરના બંને નોટરી, સાધુ પરિવાર અને સાક્ષી આપનારાં 8 લોકો તેમજ વેચાણ દસ્તાવેજ બનાવી લેનારાં સક્તા રાજા ભરવાડ સહિત કુલ 12 લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.