અદાણીએ પીએનજીમાં 63 પૈસા, સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂા.1.13નો ઘટાડો કર્યો

અમદાવાદ,તા.05

અમદાવાદમાં અદાણી ગેસે પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ 63 પૈસાનો ઘટાડો કરતાં રસોડામાં પીએનજીનો ઉપયોગ કરનારાઓને અમદાવાદના ત્રણ લાખ વપરાશકારોના રાંધણગેસના વપરાશના બિલમાં ઘટાડો થશે. આ જ રીતે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ રૂા.1.13નો ઘટાડો કર્યો હોવાથી સીએનજી રિક્ષા ચલાવનારા અને મોટર ચલાવનારાઓને ખાસ્સી રાહત મળશે. અદાણી રોજના અંદાજે 3.25 લાખ કિલો સીએનજીનો સરેરાશ વપરાશ કરે છે. આ ભાવ ઘટાડો 5મી ઓક્ટોબરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.  જોકે ઔદ્યોગિક વપરાશ માટેના કુદરતી ગેસના ભાવમાં કોઈ જ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી નથી. હજી ગુજરાત ગેસ-ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સહિતની ગેસ કંપનીઓએ ભાવ ઘટાડાની જાહેરાત કરવાની બાકી છે

ભાવ ઘટાડો

અમદાવાદમાં સીએનજીના કિલોદીઠ ભાવ રૂા.55.95થી ઘટાડીને રૂા. 54.82 કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે પીએનજીના વપરાશકારો માટેના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૂા. 26.80થી ઘટાડીને રૂા.26.17 કરી દેવામાં આવ્યો છે. ફરિદાબાદના પીએનજી વપરાશકારો પાસેથી સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ લેવાતા રૂા. 30.17થી ઘટાડીને રૂા.29.30 કરી દીધા છે. આમ તેના ભાવમાં 87 પૈસાનો ઘટાડો કર્યો છે. જોકે ફરિદાબાદના કસ્ટમર્સ માટે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂા. 1.51નો ઘટાડો કરવામાં આવ્યો છે. ફરિદા માટેના સીએનજીના ભાવ કિલોદીઠ રૂા.52.88થી રૂા.1.51 ઘટડીને રૂા.50.77 કરી દેવામાં આવ્યા છે.

છ માસના ગાળા માટે ઘટાડો

કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે પેદા થતાં કુદરતી ગેસના મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ-એમએમબીટીયુના ભાવમાં 12.5 ટકાનો ઘટાડો કર્યો તેથી અદાણી ગેસ લિમિટેડે ઘર ઘરમાં રસોઈ માટે ઉપયોગમાં લેવાતા પાઈપ્ડ નેચરલ ગેસ – પીએનજી અને રિક્ષા તથા મોટર વાહનમાં ઉપયોગમાં લેવાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે પહેલી ઓક્ટોબર 2019થી 31મી માર્ચ 2020 સુધીના છ માસના ગાળા માટે ભાવ ઘટાડો જાહેર કર્યો છે. અદાણી ગેસે પણ છ માસના ગાળા માટે ઘટાડો કર્યો છે. પાંચમી ઓક્ટોબરથી આ ઘટાડો લાગુ પડશે.

વેપાર ઉધોગોની સ્પર્ધાત્મકતા પર પોઝીટીવ અસર

દેશમાં વાયુ પ્રદુષણ વધી ગયું છે અને સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા માટે સક્રિય બની છે તેથી પણ આ ઘટાડો કરવામાં આવ્યો હોવાનું મામવામાં આવી રહ્યો છે. બીજું ગુજરાતમાં સિરામિક ઉદ્યોગને કુદરતી ગેસનો ઉપયોગ કરવાની જ ફરજ પડી હોવાથી આ નિર્ણયને પરિણામે તેમના સારી એવી રાહત મળવાની સંભાવના છે. રાસાયણિક ખાતરની ઉત્પાદન કિંમતમાં, સિરામિક પ્રોડક્ટ્સની પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો થશે. વેપાર ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા પર પોઝિટીવ અસર જોવા મળશે.

નવી ગેસ પોલીસી હેઠળ લેવાયો નિર્ણય

ક્રૂડ ઓઈલના ભાવમાં અનિશ્ચિતતા જોવા મળતી હોવાથી ભારત સરકારને તેની આયાત કરવા માટે કરવા માટે કરવા પડી રહેલા ખર્ચમાં જંગી વધઘટ આવી જતી હોવાથી ક્રૂડ ઓઈલની આયાતને ડિમોટ કરવાનો ઇરાદો ભારત સરકાર ધરાવે છે. તેથી પણ આ દિશામાં તેણે પગલાં લેવા માંડ્યા છે. બીજું, ક્રૂડનો પેટાળમાંનો જથ્થો ઓછો થઈ રહ્યો છે. તેના જથ્થો વાપરવાની સમયમર્યાદા ઘટી રહી છે. તેથી પણ તેના અન્ય વિકલ્પનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014માં નક્કી કરવામાં આવેલી નવી ગેસ પોલીસી હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.