અમદાવાદ,તા.૧૪
અમપાના ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલ દ્વારા પુર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર મુકેશ પટેલને કરવામાં આવેલ ફોન ન ઉપાડવામાં આવતા તંત્ર અને શાસકપક્ષ વચ્ચે હવે યુધ્ધ છેડાઈ ગયુ છે. આ મામલે ટીપી ચેરમેન ગૌતમ પટેલે મ્યુનિસિપલ કમિશનરના નામે લખેલો પત્ર વહેતો થયો હતો. આ પત્રમાં તેમણે સાત દિવસમાં અધિકારીનો જવાબ લેવા કહ્યુ હતું. જો આમ નહીં થાય તો ટીપી કમિટીમાં તેમની સામે ઠપકા દરખાસ્ત પસાર કરવાની ચીમકી આપી હતી. આ મામલે મેયર બિજલ પટેલે પણ ધ્રુજારો કરતા તંત્રને ચિમકી આપી છે કે, કોઈપણ કક્ષાના અધિકારીએ કોર્પોરેટરના ફોન તો ઉપાડવા જ પડશે. એમ નહીં કરાય તો અમે કલાસ-વન અધિકારી હશે, તો પણ કાર્યવાહી કરતા ખચકાઈશુ નહીં. આ વિવાદમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરે ટીપી ચેરમેનની માફી માગતા હાલ પુરતો આ વિવાદ ઠંડો પડી ગયો છે.
આ અંગે મળતી માહીતી મુજબ, અમપાની ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન પુર્વઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર મુકેશ પટેલને ફોન કરતા તો તેઓ ઉપાડતા જ ન હતા. ચેરમેન ગૌતમ પટેલે એક વાતચીતમાં કહ્યુ, અમે લોકોના મતોથી ચૂંટાઈને આવ્યા છે. અમારે પણ લોકોના કામ કરવાના હોય. છતાં મુકેશ પટેલ તો ફોન ઉપાડતા જ ન હતા. તો કયારેક બીજા-ત્રીજા દિવસે ભુલી ગયો એવા બહાના બતાવતા હતા. એમ કાંઈ થોડુ ચાલે.
દરમિયાન કમિશનરને સંબોધીને લખવામાં આવેલા પત્ર બાદ મેયર બિજલ રૂપેશભાઈ પટેલે ઉગ્ર પ્રતિક્રીયા આપતા કહ્યુ, કોઈપણ કક્ષાના અધિકારી હોય એમણે ફોન તો કોર્પોરેટરના રીસીવ કરવા જ પડશે. અમે ગેરશિસ્ત મામલે કોર્પોરેટર સામે પણ કાર્યવાહી કરતા ખચકાઈશુ નહીં. અધિકારીઓની કોઈ બહાનાબાજી ચલાવી નહીં લેવાય. અમે કલાસ-વન અધિકારી હશે તો પણ કાર્યવાહી કરતા ખચકાઈશું નહીં.
ટીપી ચેરમેન શું કહે છે.
મુકેશ પટેલ મારે ત્યાં આવીને માફી માંગી ગયા છે એથી હાલ તેમના વિરૂધ્ધ કોઈ કાર્યવાહી અમે કરવાના નથી. એમ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલે એક વાતચીતમાં કહ્યુ છે.
સ્થાયી સમિતિના ચેરમેનને કમિશનરે બહાર ઉભા રાખ્યા
અમપામાં હાલના સ્થાયી સમિતિના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટ કમિશનરને મળવા ગયા તે સમયે કમિશનર વિજય નહેરાએ એમને વીસ મિનીટ બહાર ઉભા રાખ્યા હોવાનુ ભાજપના સૂત્રોનુ કહેવું છે.
કોંગ્રેસે કમિશનર સામે દેખાવ કર્યા હતા.
કમિશનર વિજય નહેરા કોંગ્રેસના કોર્પોરેટરોના ફોન રીસીવ ન કરતા હોવા મામલે વિપક્ષનેતા દીનેશ શર્માની આગેવાનીમાં કમિશનર સામે કોંગ્રેસ દ્વારા સપ્ટેમ્બર મહીનામાં ઉગ્ર સુત્રોચ્ચાર અને દેખાવો કરાયા બાદ મ્યુનિસિપલ બોર્ડમાં પણ આ મામલે ઉગ્ર રજુઆત કરાઈ હતી.
મયુર દવેએ અંગ્રેજીમાં પત્ર લખવો પડયો હતો.
ભાજપના ખાડીયાના કોર્પોરેટર અને પક્ષના પુર્વ નેતા મયુર દવે દ્વારા વોર્ડના પ્રશ્નોની કમિશનરને કરાયેલી રજુઆત ધ્યાનમાં ન લેવાતા મયુર દવેએ કમિશનર વિજય નહેરાને અંગ્રેજીમાં પત્ર લખવો પડયો હતો.
Protocol
શું કહે છે.
બીપીએમસી એકટ અને જીપીએમસી એકટની જાગવાઈ મુજબ, મ્યુનિસિપલ કમિશનર હોય કે તેમની હાથ નીચેના અધિકારીઓ આ તમામે મેયરથી લઈને સ્થાયી સમિતિના ચેરમેનને સામે મળવા જવુ જાઈએ. આમ છતાં છેલ્લા દસ વર્ષથી અમપામાં ઉલટી ગંગા વહી રહી હોવાનું કોંગ્રેસ કાર્યાલયના ૫૫ વર્ષથી મંત્રી તરીકે ફરજ બજાવતા એક વડીલે પ્રતિક્રીયામાં કહ્યુ છે.