અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યું

અમદાવાદ, તા.૦૭

ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કોલેજના નિયમો ૮૦ ટકા મેનેજમેન્ટ અને ૨૦ ટકા મેરિટ પ્રમાણે થાય તેવો આગ્રહ રાખી રહ્યા છે. હવે સરકારે આ મુદ્દે થોડી બાંધછોડ કરીને સંચાલકો કહે તે પ્રમાણ ભરતી કરવાની તૈયારી શરૂ કરી હોવાની વિગતો બહાર આવી છે.

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત- કેસીજી દ્વારા તાજેતરમાં બી.એડ અને લૉ ફેકલ્ટીમાં ૧૨૫થી વધારે જગ્યાઓની ભરતી કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણ મેરિટના આધારે કરવામાં આવી છે. જેમાં ૯૦ ટકા મેરિટ અને સંચાલકોના ૧૦ ટકા પ્રમાણે નિયુક્તિ કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહીમાં મેરિટમા સૌથી આગળ હોય તેવા જ ઉમેદવારોની ભરતી થઇ શકી છે. કેસીજી દ્વારા હવે આ ફોર્મ્યુલા કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપક સહાયકની ભરતી માટે પણ લાગુ કરવાનુ નક્કી કરાયુ છે. આ પ્રમાણે કાર્યવાહી થાય તો સંચાલકો ઇચ્છે તેવા એકપણ ઉમેદવારની ભરતી થઇ શકે તેમ નથી. જેના લીધે સંચાલકો છેલ્લા કેટલાક સમયથી આ પધ્ધતિનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા કોઇપણ સંજોગોમાં બી.એડ અને લૉ ફેકલ્ટીમાં ભરતી થઇ તે પ્રમાણે જ કાર્યવાહી કરવાનો આગ્રહ રાખ્યો હતો. લાંબો સમયના વિવાદ બાદ હવે ધીમે ધીમે સરકાર એટલે કે ઉચ્ચ શિક્ષણ વિભાગે પણ સંચાલકો ઇચ્છે છે તે પ્રમાણે જ ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રો કહે છે હવે એવુ નક્કી કરાયુ છે કે, સંચાલકો ઇચ્છે તે પ્રમાણે કાર્યવાહી કરવી. જેમાં મેરિટની ગણતરી કર્યા પછી શ્રેષ્ઠ ત્રણ કે ચાર ઉમેદવારો પૈકી સંચાલકો ઇચ્છે તેની ભરતી કરે તેવુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.