પ્રશાંત પંડિત
અમદાવાદ, તા. 0૩
શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજિલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુટી એસેસર અને ટેક્સ કલેક્ટર દ્વારા અંગત રસ લઈને ત્રણ વખત આકારણી કરાવાઈ હતી. આ કૌભાંડમાં તપાસ મામલે સત્તાધારી પક્ષના નેતાઓનું કૌભાંડીઓને પીઠબળ હોવાની વિગતો બહાર આવી છે.
આ અંગે મળતી માહીતી પ્રમાણે, ઉત્તરઝોનના પ્રોપર્ટી ટેક્સ વોર્ડ નંબર ૦૨૨૦માં અનિલ સ્ટાર્ચ મિલની ટેનામેન્ટ નંબર-૦૨૨૦-૩૫-૩૮૦૧-૦૦૧કયુથી મિલ્કત આવેલી છે. આ મિલ્કતોની આકરણી નવી ફોર્મ્યુલાના નિયમો અને ફેક્ટર મુજબ થવી જાઈએ છતાં મિલ્કતધારકોને ફાયદો થાય એ માટે જે તે સમયના ડેપ્યુટી એસેસર અને ટેક્સ કલેક્ટર કેલ્વિન સી કાપડીયા દ્વારા ત્રણ-ત્રણ વખત આકારણી કરાવી હતી. વર્ષ-૨૦૦૧ સુધીમાં આ મિલ્કતોનો એજ્યુકેશન સેસ કુલ મળીને રૂપિયા ૧.૫૩ કરોડ થતો હતો. આમ છતાં અમપાના ઉત્તરઝોનના અધિકારીની કહેવાતી સુચનાને આધારે રૂપિયા ૭૬,૮૫,૨૨૩ ઓનલાઈન કોમ્પ્યુટર ડિમાન્ડમાંથી બારોબાર કમી કરી દેવામાં આવ્યા હતા.
કાપડિયા ઉપર નેહરા મહેરબાન
આ મામલે વિજિલન્સ તપાસ કરી કેલ્વિન સી કાપડિયા સામે કાર્યવાહી કરવા પૂર્વ ટેક્સ ઈન્સ્પેક્ટર પુનમચંદ પરમારે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામને લેખિત રજૂઆત કરી હતી. આજે એક વર્ષ બાદ પણ રૂપિયા બે કરોડના આર્થિક કૌભાંડ મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા કાપડિયા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ભાજપમાંથી જ કેટલાક નેતાઓના કેલ્વિન કાપડિયા ઉપર છૂપા આશીર્વાદ હોવાના કારણે કાર્યવાહી અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું હોવાની અમપા વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
કેવી રીતે કૌભાંડ કરાયું?
- પહેલી વખત આકારણી કરાઈ એ સમયે મિલ્કતનું કુલ ક્ષેત્રફળ ૭૮,૭૬,૮૬૫ ચોરસ મીટર બતાવવામાં આવ્યું હતું.
- બાદમાં વાંધા અરજી કરાતા બીજી વખત આકારણી કરાઈ હતી. જેમાં ક્ષેત્રફળ ૧,૧૦,૬૦૬ હોવાનું બહાર આવ્યું હતું.
- ડિમાન્ડમાં વધારો થાય એ પહેલા અધિકારીએ ટેક્સ અને એસ્ટેટની ટીમો બનાવી ત્રીજી વખત આકારણી કરાવી
- ત્રીજી વખતની આકારણીમાં કુલ ક્ષેત્રફળ ૫૯,૫૩૭ ચોરસમીટર બતાવવામાં આવ્યું હતું.
અરજદારની માંગણી શું છે?
વિજિલન્સ તપાસની માંગ કરી રહેલા અરજદારનું કહેવું છે, એજ્યુકેશન સેસની લેવાપાત્ર નીકળતી કુલ રકમ ૧.૫૩ કરોડમાંથી ૭૬,૮૫,૨૨૩ની ઓનલાઈન કોમ્પ્યુટર ડિમાન્ડ ઘટાડી મિલ્કત ધારકોને આર્થિક લાભ કરાવવા કેલ્વિન કાપડિયા દ્વારા ક્ષેત્રફળ ઘટાડવા ઉપરાંત બાંધકામના વર્ષ અને ઉંમરના પુરાવા પણ નજર અંદાજ કરાયા છે. બાંધકામનો સમય વર્ષ-૧૯૬૦થી વર્ષ-૧૯૯૦નો હોવા છતાં વર્ષ-૧૯૪૦નુ બાંધકામ હોવાનું દર્શાવી મિલ્કત ધારકોને ઘણો મોટો આર્થિક લાભ કરાવવામાં આવ્યો છે. જેને લઈને કેલ્વિન કાપડિયા સામે વિજિલન્સ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જાઈએ.