અમદાવાદ, તા.26
અર્થતંત્ર મંદીની પકડમાં સપડાઈ રહ્યું છે અને બેન્કો નબળી પડવા માંડી છે ત્યારે બેન્કના થાપણદારોને દંડ કરવાને બદલે બેન્કને નબળી પાડવા માટે જવાબદાર અને અપરાધી પ્રવૃત્તિ કરતાં બેન્કના ટોચના મેનેજમેન્ટને સજા કરવાની માગણી ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટ ચલમે માગણી કરી છે. આ સાથે જ તેમણે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેન્ક પર લગાવવામાં આવેલા પ્રતિબંધને એટલે કે થાપણદારને તેમના ખાતામાંથી માત્ર રૂા.1000નો ઉપાડ કરવાની છૂટ આપતા નિયંત્રણને પાછા ખેંચી લેવાની માગણી કરવામાં આવી છે. અપરાધી પ્રવૃત્તિ કરતાં બેન્કના મેનેજમેન્ટ અને ટોચના અધિકારીઓને દંડવાને બદલે રિઝર્વ બેન્ક અને ભારત સરકાર થાપણદારોને દંડ કરી રહી છે.
થાપણદારોને વિના કારણે દંડ
નોટબંધીનો ભયાનક અનુભવ થાપણદારોના દિમાગમાંથી હટ્યો નથી ત્યાં સરકાર અને રિઝર્વ બેન્કે ફરી એકવાર થાપણદારોને કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે.બેન્કમાં પૈસા મૂકનારાઓનો કોઈ જ વાંક ન હોવા છતાંય તેમને દંડવાની આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ગયા વરસે સરકારે એફઆરડીઆઈ બિલ લાવીને નબળી પડતી બેન્કોના થાપણદારોના પૈસા સરકાર ઇચ્છે તેટલા સમય સુધી ઓછા વ્યાજે રાખી શકે તેવી જોગવાઈ લાવવાનો અમાનવીય પ્રયાસ કર્યો હતો, એમ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે જ બેન્કના થાપણદારો તેમના ખાતામાં નિર્ધારિત કરેલી સિલક ન રાખે તો તેમને દંડ કરવાની જોગવાઈ દાખલ કરીને બહુ જ મોટી લૂંટ ચલાવવામાં આવી હતી. તેની સાથે નોન પરફોર્મિંગ એસેટ્સ વધી જતાં બેન્કને ગયેલી ખોટ સરભર કરવા માટે જુદી જુદી સર્વિસ માટે જુદાં જુદાં અસહ્ય ચાર્જ પણ બેન્કોએ થાપણદારો પાસેથી ખંખેરવાનું ચાલુ કરી દીધું છે.
બેન્ક ડિફોલ્ડર્સની સજા થાપણદારોને
મોટા બેન્ક ડિફોલ્ટર દેશ છોડીને ભાગી જાય છે. તેમ જ દેશની બહાર જલસા કરે છે. તેમના પાપે લાખો થાપણદારોને સહન કરવાનું આવી રહ્યું છે. પરંતુ ડિફોલ્ટર્સને છાવરવામાં પણ સરકારના કેટલાક અધિકારીઓ અને રાજકારણીઓ સક્રિય છે. પરિણામે થાપણદારોને ન્યાય મળતો જ નથી. દેશની ઘણી રાષ્ટ્રીયકૃત બેન્કોનો 2018-19ના વર્ષનો પૂરો નફો એનપીએ સામે જોગવાઈ કરવામાં જ ડૂબી ગયો છે. પરિણામે બેન્કના થાપણદારોને સર્વિસ ચાર્જ પેટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. સર્વિસ ચાર્જ બેન્કના થાપણદારોના બચત ખાતામાંથી પડી રહેતી રકમ થકી થતી આવકમાંથી સરભર કરવાનો હોય છે. પરંતુ ટોચના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓની ગેરરીતિને છાવરવા માટે જ થાપણદારોને દંડવામાં આવી રહ્યા છે.
નિર્મલા સીતારામનને પત્ર
નાણાં મંત્રી નિર્મલા સીતારામનને સી.એચ. વેંકટાચલમે લખેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે રિઝર્વ બેન્કના ફંડમાંથી રૂા.1.76 લાખ કરોડ મેળવી લીધા છે. આ રકમ મળી જતાં તેમણે મોટી કોર્પોરેટ કંપનીઓને રૂા.1.45 લાખ કરોડથી વધુ રકમની રાહતોની લહાણી કરી દીધી છે. દેશના વેપાર ઉદ્યોગોને મંદીની પકડમાંથી બચાવવાને નામે આ પૈસા તેમને માટે ખર્ચી નાખવામાં આવ્યા છે. આ બધું ઓછું હોય તેમ પંજાર એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્કના થાપણદારોને રૂા.1000થી વધુ ન ઉપાડવા દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. વર્તમાન સરકાર આ રીતે થાપણદારોને માથે કેવા અને કેટલા હુમલા હજી કરવાની છે તેનો અંદાજ બેન્કર્સ તરીકે અમે પણ લગાવી શકતા નથી. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્કનું સંચાલન બરાબર ન કરવામાં આવ્યું હોય તો તેવા સંજોગોમાં બેન્કના ટોચના મેનેજમેન્ટ સામે પગલાં લેવાવા જોઈએ. તેમણે થાપણદારોને તકલીફમાં મૂકવા ન જોઈએ.
પીએમસી બેન્કની ગેરરીતી ધ્યાને ના આવી
સહકારી કાયદાની કલમ 35-એ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કના ઓડિટરોના ધ્યાનમાં પણ રૂા.12000 કરોડની થાપણ ધરાવતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્કના મેનેજમેન્ટની ગેરરીતિઓ છેલ્લી ઘડી સુધી ધ્યાનમાં કેમ ન આવી તે એક મોટો સવાલ છે. રિઝર્વ બેન્કે તેમના ઓડિટરના અહેવાલોની ચકાસણી કરીને પગલાં લેવા જ જોઈએ. રિઝર્વ બેન્કના મેનેજમેન્ટ કે ટોચના અધિકારીઓ પણ તેમની આ જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી.