અભયમ ટીમે ૭૫ વર્ષિય વૃધ્ધાને ઘરેપહોંચાડાયા

ધનસુરાના નવલપુર ગામના સરપંચે ૧૮૧માં કોલ કરી જાણ કરી હતી કે આશરે ૭૫ વર્ષના વૃધ્ધા નવલપુર ગામમાં બેઠા છે. જેઓ પોતાનું નામ સરનામુ જણાવી રહ્યા નથી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને કોલ મળતાં અરવલ્લી જિલ્લા અભયમની ટીમ કાઉન્સેલર પટેલ જીજ્ઞેશાબેન, કોન્સેટબલ ઈલાબેન નવલપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં જઈ તપાસ કરતાં માજીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ તેઓ પોતાનું નામ અને સરનામુ અલગ અલગ જણાવતા હતા. તેથી માજીના જણાવેલ ગામના સરપંચનો નંબર લઈ અભયમ ટીમે સરનામુ મેળવ્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે આ માજી બપોરના સમયે ઘરેથી નિકળી ગયા હતા.
રોઝડ ચોકડીથી તેઓ જીપમાં બેસી પોતાના પિયર હિંમતનગર (નવલપુર) જવા નિકળ્યા હતા પરંતુ જીપના ચાલકે વૃધ્ધાને ધનસુરાના નવલપુરમાં ઉતાર્યા હતા. આખો દિવસ આમતેમ ફરીને છેવટે ચક્કર આવી જતાં માજી પડી ગયા હતા અને તેઓને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. સ્થાનિકોએ માજીને જોતાં પુછપરછ કરતાં નવલપુર ગામ જણાવતા હતા. પરંતુ નવલપુર ગામના સરપંચ અને ગામના લોકોએ તપાસ કરતાં તેઓ એ ગામના ન જણાતાં ૧૮૧નો સંપર્ક સાધ્યો હતો. અભયમની ટીમે ત્યાં પહોંચી માજીને પીએચસીમાં સારવાર અપાવ્યા બાદ પુછપરછ કરતાં બે ત્રણ ગામના નામ બતાવતા હતા. બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે દરેક ગામના સરપંચને ફોટો મોકલતાં વૃધ્ધા તલોદ તાલુકાના બડોદરા ગામના હોવાનું જાણવા મળતાં માજીને તેઓના ગામે પહોંચાડવામાં આવ્યા હતા. સેવાકીય કામ કરવા બદલ ગામલોકોએ અભયમની ટીમનો આભાર માન્યો હતો.