દિલ્હીથી મુંબઇ વાયા વડોદરા થઇને બનનાર આ સળંગ એક્સપ્રેસ વેથી દિલ્હીથી મુંબઇ વચ્ચેનું 150 કિલોમીટરનું અંતર ઘટી જશે અને અમદાવાદથી દિલ્હી વચ્ચેનું 80 કિલોમીટર અંતર ઘટી જશે.
ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ વે છે, હવે વડોદરાથી મુંબઇ અને અમદાવાદથી ધોલેરા સુધીનો નવો એક્સપ્રેસ હાઇવે બનશે. તેમજ રાજસ્થાનના સંચોરથી રાધનપુર થઇને કચ્છના સામખિયાળી સુધીનો ઇકોનોમિકલ કોરીડોર નિર્માણ પામશે. રાજ્યમાં 650 કિલોમીટરનો એક્સપ્રેસ હાઇવે બનાવાનો હોવાથી ગુજરાતના દેશમાં સૌથી લાંબો એક્સપ્રેસ વે ધરાવતું રાજ્ય બનશે.
ભારત સરકારે ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ વે બનાવાનું નક્કી કર્યું છે. જેમાં દિલ્હીથી વડોદરાનો નવો એક્સપ્રેસ વે 845 કિલોમીટર લાંબો બનશે. જે પાછળ રૂ.21125 કરોડનો ખર્ચ કરાશે. જેનું કામ આગામી ઓક્ટોબર કે નવેમ્બરથી શરૂ કરાશે અને બે વર્ષમાં એટલે કે નવેમ્બર 2020 સુધમાં પૂર્ણ કરાશે. આવી જ રીતે વડોદરાથી મુંબઇ સુધીનો નવો એક્સપ્રેસ હાઇવે બનાવાશે. જે પૈકી ગુજરાતમાં પસાર થતાં વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 125 કિલોમીટર લંબાઇના કામ પાછળ રૂ.8741 કરોડના ખર્ચે થશે.
આ કામ પાંચ પેકેજમાં કરાશે. જેમાં મધ્ય ગુજરાતના દાહોદ-ગોધકા-વડોદરાને પણ જોડી દેવાશે. એક્સપ્રેસ વેનું કામ નવેમ્બરથી શરૂ કરાશે અને અંદાજે નવેમ્બર-2020 સુધીમાં એટલે કે બે વર્ષમાં પુરું કરાશે.