અમદાવાદ,તા:૫
શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જઈ રહી છે, જેને નાથવા માટે કોર્પોરેશને 20 જંક્શન પર નવા ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, જે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીના ટ્રાફિકને અનુરૂપ રહેશે, જેમાં વાહનોનો પ્રકાર અને વાહનોના જવાની દિશા અને સમયનું પણ ધ્યાન રખાશે. 2011-12માં શહેરના ટ્રાફિકથી ગ્રસ્ત જંક્શન પર મ્યુનિસિપાલિટીએ દિલ્હીની સેન્ટ્રલ રોડ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સરવૅ કરાવ્યો હતો, જેમાં શહેરના 34 પોઈન્ટ પર અંડરપાસ કે ઓવરબ્રિજની ભલામણ કરવામાં આવી હતી. જે પૈકી 3 તબક્કામાં નિર્માણકાર્ય કરવાનું નક્કી કરાયું હતું. ફેઝ-1માં સમાવેશ હેલમેટ સર્કલ, દિનેશ ચેમ્બર, હાટકેશ્વર, ઈન્કમટેક્સ, ઓઢવ રિંગરોડ, IIM ચારરસ્તા, વિરાટનગર અને નરોડા ક્રોસિંગ પર અમલ થઈ ચૂક્યો છે, પરંતુ ત્યારની સ્થિતિ મુજબ બનાવેલા અંડરપાસ કે ઓવરબ્રિજ હાલના ટ્રાફિકને વહન કરવા માટે હવે સક્ષમ નથી. પ્રથમ ફેઝમાં સમાવિષ્ટ માત્ર વાડજ જંક્શનનું કામ હવે બાકી રહ્યું છે. હવે ફેઝ-2 અને ફેઝ-3ના કામ માટેનો સરવૅ હાથ ધરવામાં આવ્યો છે, જે મુજબ માનસી જંક્શન, પરિમલ ગાર્ડન, સત્તાધાર ચારરસ્તા, સોલા હોસ્પિટલ, પકવાન ચારરસ્તા, જીવરાજ, પાંજરાપોળ, પુષ્પકુંજ, દાણીલીમડા, વિજય ચારરસ્તા, ભૈરવનાથ, મેમ્કો, હિમાલયા મોલ ખાતે અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેનું નિર્માણકાર્ય પ્રાયોરિટી મુજબ શરૂ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે નરોડા પાટિયા, સુભાષબ્રિજ, ચાંદખેડા ચારરસ્તાનો સરવૅ કરવાનો નિર્ણય કરાયો હતો, જે પૈકી નરોડા પાટિયા ખાતે ફ્લાયઓવર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. |