અમદાવાદના કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી ગઈ

પ્રશાંત પંડીત

અમદાવાદ,તા.14

અમદાવાદના ૫૫૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાંકરીયા તળાવને રૂ.36 કરોડ ખર્ચીને ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવે છે. સત્તાધારી ભાજપની સરકાર આ ઈતિહાસને ઘૂળધાણી કરવાનો મનસુબો ધરાવતો હોય એમ લાગે છે. રાઈડ દૂર્ઘટના બાદ તમામ રાઈડ બંધ કરી દેવાતાં કાંકરિયાની મુલાકાતે આવનારાઓએ નિરસ વાતાવરણમાં તળાવના ચક્કર મારીને નીકળી જવું પડે છે. વળી એમાં તંત્રની બેદરકારીનો વધુ એક પૂરાવો ગુજરાતની લોકપ્રિય અટલ એક્સપ્રેસ ટ્રેન છે. જે એકાએક બંધ કરી દેવામાં આવી છે. આ ટ્રેન ગુજરાતભરમાં એટલી લોકપ્રિય હતી કે જેમાં આજ સુધીમાં 1 કરોડ લોકોએ તેમાં સવારી કરીને આનંદ લૂંટ્યો છે. દર 5 મુલાકાતીઓમાંથી એક તેમાં સવારી કરે છે, જો કે, તેમાં ગુજરાતના 3 ગરીબ નાગરિકો ખર્ચ કરી શકતા ન હોવાથી પ્રવેશ બંધ કરાવી દીધો છે. હવે આ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે.

કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું. ૨૬ ડિસેમ્બર ૨૦૦૯થી 10 વર્ષથી દોડતી આવેલી અટલ એક્સપ્રેસ બે મહિનાથી લાલ સીગ્નલ બતાવીને અટકી ગઈ છે. પાટા પર કાટ લાગી જતા અને બોલ્ટ તૂટી જવાની સાથે સાંધાઓ ખુલ્લી જઈને ટ્રેક તૂટી જવાના કારણે બંધ હાલતમાં છે. ટ્રેનનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી અટલ એકસ્પ્રેસ રાખવામાં આવ્યું હતું.

ટ્રેનની એક વર્ષમાં 10 લાખ મુલાકાતીઓ મજા માણે છે. બે મહિનાથી લેકફ્રન્ટની મુલાકાતે આવનારાઓને આ ટ્રેનમાં મુસાફરી કરવા ન મળતી હોવાના કારણે ભારે નિરાશા સાથે પરત ફરે છે.

અટલ એકસપ્રેસ કેમ થંભી ગઈ? 

ટ્રેનના ટ્રેક બંગડીની જેમ ગોળ હોવાથી સમયની સાથે તેનું વજન ટ્રેક પરના ચકબોલ્ટ અને સાંધા ઉપર આવતા આ બોલ્ટ ખુલી ગયા છે. સાંધા અનેક ઠેકાણેથી તૂટી ગયા છે. ઉપરાંત ટ્રેક પર અનેક ઠેકાણે વરસાદના કારણે કાટ લાગી જવા પામ્યો છે. જાળવણી ન થવાના કારણે આમ થયું છે.

રાઈડ તૂટી તે પહેલાંથી ટ્રેન બંધ

૧૪ જૂલાઈ 2019માં કાંકરીયા ખાતે રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બાદ પંદરેક દિવસ પહેલાં ટ્રેન બંધ કરી હતી. અમપાના ઈજનેર વિભાગના અધિકારીનું કહેવું છે કે, લેકફ્રન્ટના અધિકારીનું અચાનક રાઉન્ડ દરમિયાન આ બાબતે ધ્યાન જતા તેમણે પ્રોજેકટ વિભાગનું ધ્યાન દોરતા આ ટ્રેન તાત્કાલિક અસરથી કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં બંધ કરવા નિર્ણય કરાયો હતો.

કેવી છે ટ્રેન?

આ ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા રૂ.6 કરોડમાં બનાવવામાં આવી હતી. 4 ખૂલ્લી બોગીમાં ૧૫૦ મુસાફરોમાં 38 પુખ્ત મુસાફરો સાથે આવે છે. કાંકરીયા તળાવ ફરતે 4.5 કીલોમીટરનું ચક્કર લગાવે છે. કલાકના 10 કીલોમીટરની ઝડપે દોડે છે. 45-50 મિનિટમાં કાંકરિયા લેકનો એક રાઉન્ડ પૂરો કરે છે. કાંકરીયા ફરતે મુસાફરો તળાવનું સાંદર્ય સાથે આનંદ માણતા હતા. ટ્રેન રોજની અંદાજે વીસ ટ્રીપ કરતી હતી. ટિકિટ રૂ.10, 20 અને 25 રાખી છે. શાળાના બાળકોને રાહત આપવામાં આવે છે.

બે મહિનામાં ૧૬ લાખનુ નુકસાન થયું

એક માસની રૂ.8 લાખની આવક ટ્રેનની થતી હતી. જેની કુલ રૂ.16 લાખની આવક ગુમાવવી પડી છે.

ફરી શરૂં થતાં મહિનાઓ લાગી જશે

ટ્રેકના સમારકામ અંગે ટેન્ડર બહાર પાડીને કામ શરૂ કરાવવું પડશે. જે અંગે હજુ કોઈ કાર્યવાહી શરૂ થઈ નથી. ટેન્ડર પ્રક્રિયામાં જ 6 મહિના અને ત્યાર બાદ બીજા છ મહિના સમય થતાં એક વર્ષથી તે શરૂ થઈ શકે તેમ નથી. ભાજપના મેયર બિજલ પટેલ સદંતર નિષ્ફળ ગયા છે. તેઓ આવક તો ગુમાવી રહ્યાં છે પણ લોકોને મનોરંજનથી વંચિત રાખવા માટે તેઓ જવાબદાર રહ્યાં છે.

જૂનું ન સુધરે, ત્યાં નવું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા ત્રીજી બૂલેટ ટ્રેન શરૂ કરી તે પહેલાં અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જંયતી એક્સપ્રેસ ટ્રેન કાર્યરત છે. સંપૂર્ણ એસી ટ્રેન શરૂ કરવાની હતી. ઉપરાંત ઇલેક્ટ્રિક કાર બેટરી ઓપરેટેડ કાર કાંકરિયા પરિસરમાં ફરવા માટે આ કારનો ઉપયોગ થવાનો હતો. રૂ.10 થી લઈને રૂ.25 સુધીની ફી રાખવાની હતી. જૂનું ભંગાર બની રહ્યું છે ત્યાં નવું કરવામાં આવે છે. લોકો ઈચ્છિ રહ્યાં છે કે હવે અટલ એક્સપ્રેસ જલદી શરૂ થાય.