અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ,હોલ બુકીંગ માટે યુનિફોર્મ પોલીસી જાહેર

અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ પાર્ટી પ્લોટ,હોલ માટે એકસરખી નીતિ જાહેર કરવામાં આવી છે.શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ કે હોલના બુકીંગ માટેના ડ્રો સાત માસ અગાઉ કરવામાં આવશે.ઉપરાંત અરજદારે ઓનલાઈન પધ્ધતિથી ફોર્મ ભરીને એકસાથે તમામ નાણાં ભરવાના રહેશે.ડ્રો મા નંબર નહી લાગે તો અરજદાર દ્વારા ભરવામાં આવેલા નાણા ઈસીએસથી પરત મળી જશે. આ અંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુંકે અત્યારસુધી અરજદારોને અલગ અલગ નાણાં ભરવા પડતા હતા.એમાં સમય પણ બગડતો હતો. આ નીતિમાં મનપાએ ફેરફાર કરીને હવે ઈસીએસથી નાણાં ભરી શકાશે.ઉપરાંત ડ્રોમાં નંબર ન લાગે તો ભરવામાં આવેલા નાણાં પરત કરવા  ઉપરાંત ડ્રો કોઈ કારણસર રદ કરવાના કીસ્સામાં પણ નાણાં પરત કરવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

શહેરમાં ગણેશ મહોત્સવ માટે ઈકો ફ્રેન્ડલી મૂર્તિનો આગ્રહ 

આગામી માસમાં અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ ગણેશ મહોત્સવનો આરંભ થવા જઈ રહ્યો છે.આ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની તૈયારીઓ શરૂ કરાઈ છે.શહેરના સાત ઝોનમાં લોકો જેમ બને તેમ ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ સ્થાપિત કરે અને બાદમાં વિસર્જિત કરે એ માટે ખાસ ભાર મુકવામાં આવશે.વિવિધ સ્પર્ધાનું આયોજન કરાશે.સાથે જ લોકમાન્ય ટ્રોફી પણ સ્પર્ધકો માટે રાખવામાં આવશે.આ અંગે માહીતી આપતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે કહ્યુ,સાબરમતી નદીને ચોખ્ખી રાખવાના હેતુથી દરવર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કુંડ બનાવવામાં આવશે.આ કુંડમાં મૂર્તિ પધરાવાની રહેશે.જે સ્પર્ધામાં ભાગ લેનારે કુંડમાં મૂર્તિ વિસર્જિત કર્યા બાદ તેણે કુંડમાં જ મૂર્તિ વિસર્જિત કરી છે એ અંગેનો ફોટોગ્રાફ અપલોડ કરીને મુકવો પડશે.આમ નહીં કરનારને સ્પર્ધામાંથી બહાર મુકવામાં આવશે.બીજી સ્પ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો આરંભ થશે.

નવા પશ્ચિમઝોનમાં ૨૮ મીએ એક પ્લાન્ટ શટ ડાઉન કરાશે

નર્મદામાં પાણી આવવાના કારણે શહેરના નવા પશ્ચિમઝોનના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડહોળુ પાણી આવવાની અનેક ફરીયાદો તંત્રના ધ્યાનમાં આવતા આગામી ૨૮ ઓગસ્ટના રોજ નવા પશ્ચિમ ઝોનને પીવાનુ પાણી પુરુ પાડતા જાસપુરના બે પ્લાન્ટ પૈકી એક પ્લાન્ટનું શટડાઉન કરી તેની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે માહીતી આપતા કહ્યુ,નવા પશ્ચિમઝોનને પાણી પુરુ પાડતા જાસપુર પંપીંગ સ્ટેશનમાં ૨૭૫ એમએલડી અને ૧૨૫ એમએલડી એમ બે પ્લાન્ટ આવેલા છે.આ પ્લાન્ટ પૈકી ૨૭૫ એમએલડી પ્લાન્ટનું ૨૮ ઓગસ્ટે શટડાઉન કરી સફાઈ અને અન્ય જા કોઈ ટેકનીકલ સમસ્યા હોય તો એને પણ દુર કરવામાં આવશે.

નવી એસવીપીનું વીજ બીલ મહીને એક કરોડ 

અમદાવાદ શહેરમાં રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી નવી એસવીપી હોસ્પિટલનું વીજબીલ દર મહીને રૂપિયા એક કરોડ જેટલુ આવી રહ્યુ હોવાનો સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને સ્વીકાર કર્યો છે.આ હોસ્પિટલ જે સમયે બનાવવામાં આવી એ સમયે સૌરઉર્જાનો ઉપયોગ કરવાનુ આયોજન કરાયુ હતુ.જે હાલ સ્થગિત હોવાનુ પણ તેમણે કહ્યુ છે. ઉપરાંત વાડજ સ્મશાનગૃહમાં સીએનજી ભઠ્ઠીનો પ્રશ્ન આજે ચર્ચામાં આવ્યો હતો.તેમાં સીએનજી ભઠ્ઠી કામ કરતી ન હોવા મામલે કન્સલ્ટન્ટ સામે પણ કાર્યવાહી કરવાની વિચારણા હોવાનુ ચેરમેને કહ્યુ છે.લિગલમાં કેટલા કેસો પેન્ડીંગ છે તેની વિગતો લીગલ વિભાગ પાસે માંગવામાં આવી છે.