અમદાવાદ,તા:૧૫ સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદ શહેરમાં કેટલાક ઝોન અને વિસ્તારો માટે મ્યુનિ. તંત્ર દ્વારા રીતસર દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે, જેના અંગે શહેરવાસીઓમાં રીતસર રોષની લાગણી ફેલાઈ છે.
અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા, નારોલ, વટવા અને લાંભામાં કંઈક આ જ સ્થિતિ છે, જ્યાંના વિકાસ માટે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ સતત દુર્લક્ષ્ય સેવી રહ્યા છે. 2018-19ના વર્ષમાં લાંભા અને વટવાના વિકાસ માટે રૂપિયા 70 લાખની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વિકાસ માટે કેટલી રકમ ખર્ચ થઈ તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ વિસ્તારમાં પ્રાથમિક કહેવાતી સુવિધા રસ્તા, શુદ્ધ પીવાનું પાણી, ડ્રેનેજ નેટવર્ક અને સ્ટોર્મ વોટર લાઈન માટે સ્થાનિકો વલખાં મારી રહ્યા છે. હાલમાં વરસાદની સિઝનમાં આ બંને વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાવાની સાથે પીવા માટે પ્રદૂષિત પાણીની મોટી સમસ્યા છે. આ વાતાવરણમાં સ્થાનિકો પાણી અને મચ્છજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે, જેનાથી દર્દીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે.
આ ઉપરાંત દક્ષિણ ઝોનના જ દાણીલીમડા અને નારોલના ટેક્સટાઈલ યુનિટ્સે ડ્રેનેજ અને પમ્પિંગ સ્ટેશનના પાણીના સપ્લાયમાં ગેરકાયદે જોડાણ કરી રહ્યા છે, જેમને તંત્ર દ્વારા જ પીઠબળ અપાતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ટેક્સટાઈલ અને કેમિકલ યુનિટ્સ ખુલ્લામાં જ કેમિકલયુક્ત પાણી છોડતાં વરસાદની સિઝનમાં સમગ્ર વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ફેલાઈ રહ્યું છે, જેનાથી લોકોનો ચામડીના રોગ થઈ રહ્યા છે. વિકાસની વાતો કરતી રાજ્ય સરકાર દક્ષિણ ઝોનમાં રસ્તા માટે પણ ખૂબ જ નિરસ છે, છેલ્લાં પાંચ વર્ષથી આ વિસ્તારમાં નવા રસ્તા તૈયાર કરવામાં આવ્યા નથી. જોવાનું એ છે કે આ બધી વ્યવસ્થા માટે કોર્પોરેશન દ્વારા લાંભા વોર્ડ માટે રૂ.70 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પણ વિકાસ માટે તે ખર્ચ ક્યાં કરાયા તે જોવામાં આવતું નથી.
કોર્પોરેશનની મળેલી રિવ્યૂ મિટિંગમાં દક્ષિણ ઝોનની સાથેસાથે દક્ષિણ ઝોન ઉત્તર અને પૂર્વ ઝોનમાં પણ આવી જ કંઈ સમસ્યાઓ જણાતાં મ્યુનિ. કમિશનરે ડે.મ્યુનિ. કમિશનર, એડિશનલ એન્જિનિયર અને સિટી એન્જિનિયરનો રીતસર ઉધડો લીધો હતો. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં ભાજપનું પ્રભુત્વ ન રહ્યું હોવાથી દુર્લક્ષ્ય સેવાતું હોવાનો સ્થાનિકો દ્વાર આરોપ મૂકવામાં આવ્યો છે, જો કે નવા સીમાંકનમાં વટવા વોર્ડમાં ભાજપની પેનલ જ વિજયી બની હતી.
વટવા, લાંભા અને ન્યૂ નારોલમાં એકમાત્ર નવાણા પમ્પિંગ સ્ટેશન ક્ષમતા કરતાં વધુ નેટવર્ક હોવાથી ગટર બેક મારવાની સમસ્યા સર્જાઈ રહી છે, જેથી સ્થાનિકોની ફરિયાદ અને રોષનો ભોગ કોર્પોરેટર્સ બની રહ્યા છે. ઉપરાંત અધિકારીઓ દ્વારા દોઢ વર્ષથી સ્ટોર્મ વોટરલાઈન માટે વાયદા કરાઈ રહ્યા છે, જે આજ સુધી પૂર્ણ થયા નથી. જો કે ન્યૂ નારોલમાં સ્ટોર્મ વોટરના ટેન્ડર 10 મહિના પહેલાં જ મંજૂર થઈ ચૂક્યાં છે, જેમાં ડ્રેનેજ વિભાગ અને ઝોન કક્ષાએ કોમ્યુનિકેશન ન હોવાથી ટેન્ડર બાદ પણ કામ અધ્ધરતાલ છે. દાણીલીમડા અને બહેરામપુરા ખાતે પણ ડ્રેનેજની સમસ્યાથી લોકો ભારે ત્રસ્ત છે.