અમદાવાદના પોલીસ કમિશનરનો વધારોનો ચાર્જ આશિષ ભાટીયાને સોંપાયો  

અમદાવાદ, તા.૨૫

અમદાવાદ પોલીસ કમિશનર અનુપકુમાર સિંગની એનએસજીના ડીજી તરીકે બદલી થતા સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટીયાને અમદાવાદ સીપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જુલાઈ 2008માં રાજ્યને હચમચાવી દેનારા અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસનો ભેદ આશિષ ભાટીયાની આગેવાનીમાં ગુજરાત પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા ચકચારી લઠ્ઠાકાંડ કેસની તપાસની જવાબદારી પણ સરકારે તેમને સોંપી હતી.

સીઆઈડી ક્રાઈમના ડીજી તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક થયા બાદ ક્રિપ્ટો કરન્સી સહિતના આર્થિક કૌભાંડોમાં સંડોવાયેલા આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી કરવાનો સિલસિલો આજે પણ જારી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના વડા તરીકે રહી ચૂકેલા આશિષ ભાટીયા શહેર અને ગુનેગારોની તાસીરને સારી રીતે ઓળખે છે. વર્ષ 2016માં ભાટીયા સુરત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

એ.કે.સિંગને ડેપ્યુટેશન પર એન.એસ.જી.ના ડીજી તરીકે મોકલવાનો હુકમ કેન્દ્ર સરકારે કર્યો ત્યારથી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયાનું નામ ચર્ચામાં આવી ગયું હતું. શાંત સ્વભાવ અને મકક્મ મનના આશિષ ભાટીયાના સ્થાને સીઆઈડી ક્રાઈમમાં કોને મુકવા તે અંગે સરકાર હાલ મુંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે.

સીઆઈડી ક્રાઈમની સાથે પોલીસ કમિશનર તરીકેની મહત્વની જવાબદારી સંભાળવાના પડકાર અંગે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું કે, ઘર અને ઓફિસ પાસે પાસે છે. આ ઉપરાંત અજય તોમર અને અમિત વિશ્વકર્મા સાથે કામ કરેલું છે.