અમદાવાદ,તા:૫
બોપલના સ્વાગત બંગલો પાસેના રસ્તા પર સવારે 8 વાગ્યાની આસપાસ લાલ રંગની વૈભવી કારની અડફેટે એક રાહદારી મહિલાનું મોત નીપજ્યું. સ્થાનિકોના કહેવા મુજબ લાલ રંગની ક્રેટા કાર ચલાવતી મહિલા 100ની આસપાસની સ્પીડે જઈ રહી હતી અને કારને કાબૂ ન કરી શકતાં મહિલાને અડફેટે લઈ દીવાલ સાથે કાર ટકરાઈ હતી.
અકસ્માત બાદ તુરંત જ મહિલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી, જ્યારે સ્થાનિકોએ કારમાં સવાર અન્ય બે યુવકને ઝડપી પોલીસને સોંપ્યા છે. પોલીસે બંને કારચાલકની પૂછપરછ હાથ ધરી છે. અને કારચાલક મહિલા કોણ હતી તેની તપાસ હાથ ધરી છે. બીજી તરફ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની પણ કોઈ ઓળખ થઈ શકી નહોતી. આ કેસમાં પોલીસ પર પણ દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં ટ્રાફિક નિયમનનો કડક અમલ કરાવાઈ રહ્યો છે, જેમાં વાહનોની ઝડપ અંગે પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. શહેરમાં ઠેરઠેર CCTV લગાવી વાહનચાલકો પર ચાંપતી નજર પણ રાખવામાં આવે છે. આવા સમયે જોવાનું એ છે કે આ વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ પોતાની ફરજ કેટલી પૂરી કરે છે.