અમદાવાદના ભાજપના ધારાસભ્યએ કાયદો ખિસ્સામાં મૂકી દીધો

કાયદો અને વ્યવસ્થા રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપ જાડેજાના અમદાવાદ અસારવા વિસ્તારના ઘરની નજીક જ ભાજપના ધારાસભ્યની કચેરીનો સેડ દબાણમાં તોડી પાડવામાં આવ્યો હતો. પણ ભાજપના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે પોતાની કચેરીનો સેડ ફરી નવેસરથી ગેરકાયદે બનાવી દીધો છે. જે અગાઉ હતો તેના કરતાં મોટો અને મજબૂત બનાવી દીધો છે. બહાર ભાજપનું બોર્ડ લડાવી દીધું છે. જેના ઉપર ભાજપના નેતાઓના ફોટો પણ લગાવી દીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રસ્તા પરના દબાણ હઠાવો ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. તેમાં થોડા દિવસ પહેલાં ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની કચેરી કે જે ખરેખર ભાજપની અસાવરા વોર્ડની માલિકીની છે તેનો ઓટલો અને શેડ તોડી પાડવામાં આવ્યો હતો. શહેરના રસ્તા પર થયેલા દબાણ દૂર કરવાની ઝૂંબેશ શરૂ કરી છે પણ ભાજપની પોતાની કચેરીએ જે દબાણ થયેલું તે જાતે દૂર કરવાના બદલે સત્તાવાળાઓએ દૂર કર્યું હતું તે ફરીથી બનાવી દીધું હોવાથી ભાજપના નેતાઓની ટીકા સમગ્ર અસારવા-મેઘાણીનગરમાં થઈ રહી છે.