અમદાવાદના સ્વિમિંગ પૂલોનું ખાનગીકરણ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાનગીકરણના માર્ગે આગળ વધી રહી છે. હવે સ્વિમિંગ પુલોમાં ખાનગીકરણની નીતિ અપનાવાનો નિર્ણય કરાયો છે. આ સાથે સ્વિંમિંગ ફી પણ ડબલ કરવામાં આવી છે. અને અમ્યુકોનાં આ નિર્ણયનો ચોતરફ વિરોધ શરૂ થયો છે.
અમદાવાદ કોર્પોરેશનને ખાનગીકરણ કરવાની જાણે ટેવ પડી ગઈ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, મ્યુનિસિપલ સ્કૂલ વગેરે જગ્યાએ ખાનગીકરણ કર્યા બાદ હવે સ્વિમિંગ પુલોમાં આ નીતિનો અમલ કરાશે. કોર્પોરેશન દ્વારા શહેરનાં 14  સ્વિમિંગ પુલોનું ખાનગી ધોરણે સંચાલન કરવામાં આવશે. ખાનગીકરણ કરવા અંગે તંત્રનું કહેવું છે કે સ્વિમિંગ પુલોનું સંચાલન ખર્ચાળ છે. તેના સંચાલન પાછળ વાર્ષિક રૂપિયા 6.68 કરોડ ખર્ચ થાય છે. જ્યારે આવક રૂપિયા 3.50 કરોડ થાય છે. એટલે કે મોટી ખોટ થાય છે. ખાનગીકરણ આ માટે ટેન્ડર મંગાવી MOU કરવાની વાત તંત્ર કરી રહ્યું છે. પણ હકીકતમાં માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવાઈ રહ્યો છે.
ખાનગીકરણ કરવાની સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે. પહેલા વાર્ષિક રૂ. 1800 ફી હતી જે હવે રૂ. 3600 કરવામાં આવી છે. એટલે કે તંત્રએ નક્કી કરેલા સમય સિવાયના સમયમાં કોન્ટ્રાક્ટર મનફાવે તેટલી ફી વસૂલી શકશે.
આમ પ્રજાને બે બાજુથી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાબતે વિપક્ષે વિરોધ કર્યો છે. આ મુદ્દે આગામી દિવસોમાં આંદોલન કરવાની જાહેરાત વિપક્ષ દ્વારા કરવામાં આવી છે
અમદાવાદના  સ્વિમેરોમાં આ નિર્ણય અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓનું કહેવું છે કે કોર્પોરેશન વિવિધ પ્રકારના ટેક્સ ઉઘરાવે છે તો સ્વિમિંગ પૂલની સેવા કેમ ના આપી શકે. આતો પ્રજાને લૂંટવાનો પરવાનો આપવામાં આવ્યો હોય એવું લાગે છે.
ભૂતકાળમાં પણ ખાનગીકરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો વિરોધ થતાં તે મોકૂફ રાખવો પડ્યો હતો, ત્યારે આ વખતે તંત્ર ને લોકોના વિરોધનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શહેરની નામાંકિત ખાનગી ક્લબ રાજપથ ક્લબમાં હાર્દિક પટેલ નામનાં સ્વિમિંગ કોચે બે તાલિમાર્થી બાળકીઓને પટ્ટાથી માર માર્યાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે મહાનગરપાલિકાનાં સ્વિમિંગ પૂલ્સમાં પણ ખાનગીકરણ બાદ આવનારાં કોચ સ્વિમિંગ શીખવા આવનાર સાથે કેવો વ્યવહાર કરશે તે એક યક્ષ પ્રશ્ન છે.