એક સમયે અમદાવાદને દૂધ પૂરું પાડતી આબાદ ડેરીની મોંઘા ભાવની 37,388 ચો. મીટર જમીન ભાજપ સરકારે ચૂંટણી ફંડ માટે સાવ નવી સવી એવી કંપનીને પાણીના ભાવે આપીને પ્રજાની તિજોરીને રૂ. 1197.77 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું તેવા આક્ષેપોને 10 વર્ષ થઈ ગયા છે. 2009માં આબાદ ડેરીની જમીન આપવાની કામગીરી શરુ કરી હતી. તે અંગે તપાસ કરવા માટે માંગણી થઈ હતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે નરેન્દ્ર મોદીની સરકારે કોઈ તપાસ આજ સુધી થવા દીધી નથી. કંપનીના માલિક હરિશ શેઠને જમીન આપી દીધા બાદ 10 વર્ષથી ભ્રષ્ટાચારનો ભોરીંગ પ્રજા માનસમાં સળવળી રહ્યો છે.
ગુજરાત પરિવર્તન પક્ષના મહામંત્રી ગોરધન ઝડફિયાએ નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરીને કેસ ઉપરાંત કથિત ગેરરીતિના અન્ય 7થી 8 કેસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાની પણ જાહેરાત કરી હતી. તેઓ ભાજપના નેતા બની ગયા બાદ અને 2019માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જવાબદારી સોંપ્યા બાદ મોટા ભ્રષ્ટાચાર પર પડદો પડી ગયો છે.
ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને ધારાશાસ્ત્રી દિપક સાતાએ અગાઉ આર.ટી.આઈ. દ્વારા સરકારમાંથી દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા હતા. ભાજપે આ જમીન કૌભાંડમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહ્યું હતું. મુંબઈમાં 2008માં એસ. ઈ.ટ્રાન્સસ્ટેડિયા પ્રા. લિ. નામની એક કંપનીની સ્થાપના થઈ હતી. 2009માં આ કંપનીએ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં MoU કર્યા હતા. તુરંત આ સાવ નવી જ કંપનીને અમદાવાદમાં બંધ પડેલી કાંકરીયા તળાવની બાજુમાં આવેલી આબાદ ડેરીની જમીન ખાનગી ધોરણે સ્પોર્ટસ સ્ટેડિયમ અને રીક્રિએશન સંકુલ બનાવવા આપી દીધી હતી.
મહેસૂલ વિભાગની મૂલ્યાંકન સમિતિએ 6 જુલાઈ 2010માં જમીનની કિંમત પ્રતિ ચો. ફૂટ રૂ.38,650 નક્કી કરી હતી. આ જમીન ,જમીનની કિંમતના 15 ટકા લેખે વાર્ષિક ભાડું લઈને આપવા મહેસુલ વિભાગે ભલામણ કરી હતી. જેનું વાર્ષિક ભાડું રૂ.26.67 કરોડ થતું હતું. દર પાંચ વર્ષે 15 ટકા ભાડા વધારા સાથે 35 વર્ષના ભાડા પટ્ટે આપવા ભલામણ કરી હતી.
તે મુજબ મોદી સરકારે કર્યું હોત તો તિજોરીમાં રૂ.1197.77 કરોડ જમા થયા હોત. પરંતુ ભાજપ સરકારે આ ભલામણની ઉપરવટ જઈને વાર્ષિક માત્ર રૂ. 1 એક ચોરસ ફૂટના રૂ.4.20 લાખના વાર્ષિક ભાવે આપી દેવામાં આવી હતી. જેના કારણે ગુજરાતની પ્રજાને રૂ.1195.20 કરોડનું નુકશાન થયું હતું અને ભાજપને ફાયદો થયો હતો.
ગોરધન ઝડફિયાએ 1 જૂન 2013 એવી શંકા વ્યક્ત કરી હતી કે, ભાજપે ચૂંટણી ફંડ માટે અને કંપનીમાં ભાજપના કોઈ નેતાનું હિત હોવાને કારણે મહેસૂલ વિભાગની ભલામણોને નેવે મૂકીને સાવ સસ્તા ભાવે જમીન આપીને પ્રજાની સાથે દ્રોહ કર્યો છે. આ છે. આ કંપની કે કંપનીના માલિક હરિશ શેઠ પાસે સ્ટેડિયમ બનાવવાનો કોઈ અનુભવ નથી. વગર ટેન્ડરે માત્ર એમ.ઓ.યુ.ના આધારે સોનાની લગડી સમાન આ જમીન પાણીના ભાવે આપવામાં આવી હતી. આ કેસ અને અન્ય કેસોને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. પણ ગોરધન ઝડફિયા પોતે જીપીપીનું પાટીયું બંધ કરીને ભાજપમાં પક્ષાંતર કરી ગયા અને 10 વર્ષથી ચાલતું આ પ્રકરણ બંધ કરી દીધું હતું.
(દિલીપ પટેલ)