અમદાવાદની મણિનગર બેંકમાં હેકર્સે રૂ 10 લાખ ઉપાડી લીધા

ઓનલાઇન બેંકિંગ જેટલું સરળ છે તેટલું હવે ખતરનાક પણ બની રહ્યું છે, અમદાવાદની કાંકરિયા મણિનગર સહકારી બેંકના કંપની એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે, અજાણ્યા ઠગબાજે એકાઉન્ટ હેક કરીને ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બે એકાઉન્ટ મિસમેચ થતાં 20 લાખ રૂપિયા બચી ગયા હતાં, જ્યારે 10 લાખ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા હતા, આ મામલે બેંક મેનેજરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઇસનપુર વિસ્તારમાં કનુભાઇ સોલંકી કાંકરિયા મણિનગર સહકારી બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે, કનુભાઇ મંગ‌‌ળ‌વારે રજા પર હતા ત્યારે ચાર્જ જીગર પટેલ પાસે હતો, મંગળવારે બેંક બંધ કરતી વખતે ધ્યાનમાં આવ્યું કે એચડીએફસી બેંક નવરંગપુરા ખાતાના એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ ઓછા બતાવે છે,જેની જાણ થતાં જ તેની તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે 10 લાખની ત્રણ ફાઇલોનું આરટીજીએસ ખોટું થયું હતું, કોઇ અજાણ્યા શખ્સે નેટ બેન્કિંગથી સ્ટેટિક આઇપી તથા યૂઝર્સ અને પાસવર્ડ હેક કરીને 10 લાખ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતાધારક અર્જુન રાણા નામની વ્યક્તિનાં ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા, ત્યારે હાલમાં તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ જો તમે પણ ઓનલાઇન બેંકિનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન રહેજો.