અમદાવાદની શિક્ષીકાને કોલગર્લ દર્શાવી બદનામ કરનાર મનોવિકૃત યુવકની ધરપકડ

અમદાવાદ, તા.1

મહિલાના નામનું બોગસ આઈડી બનાવી અન્ય યુવતીઓ સાથે ચેટીંગ કરતા મનોવિકૃત યુવકને કોઈ બ્લોક કરી દે તો તે યુવતીના ફોટા ફેક આઈડી પર અપલોડ કરી બદનામ કરતો હતો. રાજકોટમાં રહેતા અને ધોરણ 9 સુધી ભણેલા ઋષિકેશ નલીનભાઈ દવે નામના આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં રહેતી એક શિક્ષીકાને કોલગર્લ તરીકે દર્શાવવાના ગુનામાં ધરપકડ કરી છે.

રાજકોટ જવાહર રોડ માનસી એપાર્ટમેન્ટ ખાતે રહેતો મનોવિકૃત ઋષિકેશ દવે શેરબજારની એક પેઢીમાં રિસેપ્શીનીસ્ટ તરીકે નોકરી કરે છે. ઋષિકેશ દવેએ ભાવિક રાઠોડના નામની અને કોમલ પટેલના નામથી ફેક આઈડી બનાવેલી છે. કોમલ પટેલના નામથી જુદીજુદી યુવતીઓને રિકવેસ્ટ મોકલી ઋષિકેશ તેમની સાથે ચેટીંગ વાતચીત કરી માનસિક આનંદ મેળવતો હતો. જો કોઈ યુવતી તેની સાથે ચેટીંગ કરવાની ના પાડે અથવા બ્લોક કરી દે તો તેના આઈડી પરથી યુવતીના ફોટા મેળવી ભાવિક રાઠોડના ફેક આઈડી પર અપલોડ કરી બિભત્સ લખાણ લખતો હતો.

તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં રહેતી એક શિક્ષીકાનો સગીરવયની વિદ્યાર્થીની સાથેનો ફોટો મેળવી લઈ તે ફેક એફબી આઈડી પર અપલોડ કરી શિક્ષીકાને કોલગર્લ દર્શાવી હતી. આ મામલો સાયબર ક્રાઈમ બ્રાંચમાં પહોંચતા આરોપી ઋષિકેશ દવેને ઝડપી લેવામાં આવ્યો છે.