અમદાવાદની 50 વર્ષ જૂની ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવા નોટીસ આપવામાં આવી

અમદાવાદ,તા.6

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 50 વર્ષથી કાર્ય કરી રહેલી જૂની પુરાણી અમદાવાદ ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ ક્લબને બંધ કરી દેવાની નોટીસ આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટનો વહીવટ અદાણી જૂથને આપ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે.

ફલાઈંગ કલબ બહાર જતા એરપોર્ટ ઓથોરીટીનો વિસ્તાર વધશે

રાજ્યના હવાઇ ઉડ્ડયન વિભાગનું કહેવું છે કે અમદાવાદ એરપોર્ટનો વિસ્તાર વધ્યો છે. મુસાફરો અને ફ્લાઇટોની અવરજવર વધતાં આ ક્લબને બંધ કરવાની નોટીસ આપવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા 50 વર્ષથી અમદાવાદ ગ્લાઇડીંગ અને ફ્લાઇંગ ક્લબ સંકટનો સામનો કરી રહી હતી. એરપોર્ટના અધિકારીઓનું કહેવું છે કે આ ફ્લાઇંગ ક્લબ બહાર લઇ જવામાં આવે તો એરપોર્ટ ઓથોરિટી તેનો વિસ્તાર વધારી શકે તેમ છે.

એરપોર્ટ પર ટ્રાફિક વધતા સંચાલન સિમીત કરી દેવાયુ

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ ક્લબે તેનો વિસ્તાર કર્યો હતો. આ ક્લબને એરપોર્ટની 3000 ચોરસ મીટર જમીન આપવામાં આવી હતી જ્યાં ક્લબે હેંગર બનાવ્યું હતું. ક્લબનું સંચાલન 2003-04 સુધી ચાલુ હતું પરંતુ એરપોર્ટ પર જ્યારે જ્યારે ટ્રાફિક વધતો ગયો ત્યારે તેનું સંચાલન સિમિત કરી દેવામાં આવ્યું હતું. હવે આ ક્લબ બંધ જેવી હોવાનો દાવો નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ કરી રહ્યાં છે.

આ ક્લબ માટે ઉડયન મંત્રાલય સાથે સમજૂતી કરાર : સંચાલકો

એરપોર્ટ વિભાગના અધિકારીએ આ ક્લબને નોટીસ આપી છે ત્યારે ક્લબના સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં સુરક્ષા માંગી છે. જો કે હાઇકોર્ટે ક્લબના સંચાલકોને પહેલાં સિવિલ કોર્ટમાં જવાની સલાહ આપી છે. સરકાર એક તરફ ક્લબની જમીન એરપોર્ટને પાછી આપવા માગે છે ત્યારે બીજી તરફ ક્લબને ખસેડવાનો ક્લબના સંચાલકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. ક્લબના સંચાલકોએ કહ્યું છે કે અમારી પાસે આ ક્લબનો કબજો 1966થી છે. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલન સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. ક્લબ પહેલાં આ કેસને ટ્રિબ્યુનલમાં સોંપવા માગતી હતી પરંતુ ટ્રિબ્યુનલ ચાલુ નહીં હોવાથી હાઇકોર્ટમાં અપીલ કરી છે.

અમારી પાસે કેન્દ્રીય ઉડયન મંત્રાલયનો કોઈ દસ્તાવેજ નહી: એરપોર્ટ ઓથોરીટી

એરપોર્ટના અધિકારીઓ કહે છે કે ક્લબ પાસે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયનો કોઇ દસ્તાવેજ કે પુરાવો નથી તેથી તેને કોઇ હક્ક મળતો નથી. આ અગાઉ હાઇકોર્ટે જૂન મહિનામાં ફ્લાઇંગ ક્લબને એરપોર્ટના વિસ્તારમાંથી બહાર કાઢવા સામે મનાઇ હુકમ આપ્યો હતો, કારણ કે આ ક્લબ 1966થી છે અને ક્લબે તેનો બુનિયાદ રાખી દીધી છે.હાઇકોર્ટે આ કેસમાં એવું સૂચન કર્યું છે કે આ ક્લબના સંચાલકોએ પહેલાં સિવિલ કોર્ટમાં જવું જોઇએ તેથી ક્લબે તેની અપીલ પાછી ખેંચી લીધી છે. જો કે ક્લબને એરપોર્ટ વિસ્તારમાંથી બહાર કાઢવા અંગેનો કેસ હાઇકોર્ટમાં ચાલુ છે.