અમદાવાદને સ્વચ્છ બનાવવા સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવા વિચારણા

ચંદીગઢમાં શહેરને સ્વચ્છ બનાવવા ઉપરાંત સફાઈ કામદારો તેમને નિયત કરી આપવામાં આવેલી બીટ ઉપર બરોબર સફાઈ  કરે એ માટે સ્માર્ટ વોચ આપવામાં આવી છે.આજ પ્રકારની સ્માર્ટ વોચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા નિયમિત અને કોન્ટ્રાકટના એમ કુલ મળીને દસ હજારથી પણ વધુ સફાઈ કામદારોને અમદાવાદ શહેરનો દેશના સૌથી વધુ સ્વચ્છ શહેરોમાં આગળનો ક્રમાંક આવે એ માટે આપવા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહીતી મુજબ,ચંદીગઢ નગરપ્રશાસન દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.જેમાં પ્રશાસન સાથે સંકળાયેલા સફાઈ કામદારોને એક ખાસ પ્રકારની સ્માર્ટવોચ આપવામાં આવી છે. પહેલા ચરણમાં 800 જેટલા કામદારોને આ વોચ આપવામાં આવી છે.  આગામી સમયમાં સેનિટેશન સ્ટાફ સાથે બે હજારથી પણ વધુ કર્મચારીઓને સ્માર્ટ વોચ આપવાની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.   આ વોચ સફાઈકામદાર જે સમયે તેની બીટમાં પ્રવેશ કરશે એ સાથે જ પ્રશાસનના મેઈન સર્વર સાથે કનેકટ થઈ જશે.આ પછી સફાઈ કામદાર કેટલા સમય સુધી વોર્ડમાં કે બીટમાં કામગીરી કરે છે અને કેટલી કલાકે બહાર નીકળે છે તે તમામ સમયનું રેકોર્ડીંગ મેઈન સર્વર દ્વારા રેકોર્ડ થઈ જશે.ઉપરાંત જો કોઈ સફાઈ કામદાર ગેરહાજર હશે કે તેને સોંપવામાં આવેલી બીટમાં તે કામ ઉપર નહીં ગયો હોય તો પણ તે બાબતની સર્વરમાં ફીડ કરવામાં આવેલા પ્રોગામ દ્વારા નોંધ લેવામાં આવશે.આ સમગ્ર સિસ્ટમ જીપીએસ પધ્ધતિ ઉપર કામ કરે છે.

અમદાવાદ શહેરમાં ડોર ટુ ડમ્પ  કોન્ટ્રાકટર પર પણ તવાઈ આવશે

 અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાના સમયથી શહેરના જુદા જુદા સાત ઝોનમાં ડોર ટુ ડમ્પ પધ્ધતિથી સફાઈના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. આ પધ્ધતિથી કામ આપવામાં આવ્યા બાદ પણ યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાની વ્યાપક ફરીયાદો ખુદ શાસકપક્ષના ભાજપના જ સભ્યો દ્વારા હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટી તેમજ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં છેક મ્યુનિસિપલ કમિશનર સુધી ફરીયાદો કરવામાં આવી છે. છતાં આજદીન સુધી આ ફરીયાદોનો કોઈ હકારાત્મક પ્રતિઉત્તર આવ્યો નથી. જેથી આગામી સમયમાં સ્ટેન્ડીંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા કાયમી અને હંગામી સફાઈ કામદારો ઉપરાંત ડોર ટુ ડમ્પ પધ્ધતિથી કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટરોને પણ આ ખાસ પ્રકારની સમાર્ટ વોચ આપવાની એક દરખાસ્ત લાવવામાં આવી શકે એમ હોવાનુ આધારભુત સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

સુકા-ભીના કચરાનુ પણ સેગ્રીગેશન બરોબર કરાતુ નથી

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૧૮થી શહેરમાં સુકો અને ભીનો કચરો અલગ તારવવા ખાસ કામગીરી આરંભવામાં આવી છે.આમ છતાં અનેક વિસ્તારોમાં સુકો અને ભીનો કચરો અલગ તારવવા માટે આપવાના થતા ડસ્ટબિન પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પુરા પાડવામાં આવ્યા ન હોવાથી સુકા અને ભીના કચરાનુ અનેક વિસ્તારોમાં સેગ્રીગેશન થતુ નથી અને બધો કચરો એકસાથે જ ડમ્પસાઈટ ઉપર પહોંચતો કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં રોજ ૪૨૦૦ મેટ્રીકટન કચરો એકઠો કરાય છે

અમદાવાદ શહેરના સાત ઝોનમાંથી રોજ ૪૨૦૦ મેટ્રીકટન કચરો એકઠો કરીને તેને પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ સુધી પહોંચતો કરાય છે.આ કચરા પૈકી ૨૫૦ મેટ્રીકટન કચરો પ્લાસ્ટીક વેસ્ટ હોય છે.