અમદાવાદમાં આગની વધુ એક ઘટના

અમદાવાદમાં આગની વધુ એક ઘટનાથી દોડધામ મચી ગઇ હતી, શહેરના થલતેજમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, ફાયર ફાઇટરના અધિકારીઓએ જણાવ્યું છે કે બિલ્ડીંગના કોમન મીટરમાં કોઇ ખામી સર્જાતા આગ લાગી ગઇ હતી, જો કે હોસ્પિટલ તંત્રએ બચાવ કરતા કહ્યું કે આગ તેમની હોસ્પિટલની બહાર લાગી હતી અને તેમની હોસ્પિટલમાં કોઇ જાનહાનિ થઇ નથી, આગ જ્યારે લાગી ત્યારે હોસ્પિટલમાં 4 બાળકો એડમિટ હતા, જેથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતા.
આગ બાદ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જે જગ્યાએથી તેમનો પ્રવેશદ્વાર છે ત્યા જ વીજમીટરો લાગ્યા છે એટલે કે આજની આગમાં મોટી જાનહાનિ થતા બચી ગઇ છે, કારણ કે જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો અહીયાથી અવર જવર બંધ કરી દેવી પડી હોત અને જાનહાનિની પુરી શક્યતા હતી, જેથી ફાયર ફાઇટરના અધિકારીઓએ નોટિસ આપીને તાત્કાલિક વીજ મીટરો અન્ય સ્થળે ખસેડવા જણાવ્યું છે અને ત્યાં સુધી હોસ્પિટલ બંધ કરી દેવા નોટિસ આપવામાં આવી છે.