અમદાવાદમાં ચાલે છે ‘અસલામત’ સ્કૂલો

સુરતની ઘટના બાદ અમદાવાદની સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવી. તપાસ કરતા અમદાવાદમાં પણ કોમ્પલેક્ષોમાં સ્કૂલો ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. મંગળવારે સુરતના ભટાર વિસ્તારમાં પ્લાસ્ટિકની બેગ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. આગની આ ઘટના બાદ ખબર પડી કે, કોમ્પલેક્ષના ઉપરના માળે સ્કૂલ ચાલી રહી છે. આગની ઘટના બાદ જ્ઞાનગંગા વિદ્યાલય નામની આ સ્કૂલના 250 જેટલા વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યાં. તપાસમાં માલુમ પડ્યું હતું કે આ સ્કૂલમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી. સુરતની ઘટના બાદ અમદાવાદની સ્કૂલોમાં પણ તપાસ કરતા અમદાવાદમાં પણ કોમ્પલેક્ષોમાં સ્કૂલો ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.
સુરતની ઘટના બાદ અમદાવાદના ઘોડાસર વિસ્તાર, જીવરાજપાર્ક તેમ જ મણિનગર જેવા વિસ્તારોમાં કોમ્પલેક્ષમાં સ્કૂલો ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ઘોડાસરમાં ઈમેજ ઈંગ્લીશ સ્કૂલ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. આ સ્કૂલ ખાતે તપાસ કરતા જોવા મળ્યું કે, સ્કૂલમાં જવા આવવા માટે એક જ સાંકડો રસ્તો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં સ્કૂલ જે કોમ્પલેક્ષમાં છે તેના ટેરેસ પર પતરાનાં શેડ હોવાનું પણ માલુમ પડ્યું છે.
ઘોડાસરની જેમ શહેરના જીવરાજ પાર્ક ખાતે નીલકંઠ નામની એક સ્કૂલ પણ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. આ સ્કૂલમાં બીજા અને ત્રીજા માળે જવા માટે એક જ સાંકડી સીડી હોવાનું માલુમ પડ્યું છે. જોકે સૂત્રોએ એવી માહિતી આપી કે ગ્રામ્ય ડીઈઓ તરફથી આ સ્કૂલની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. જીવરાજની નીલકંઠ સ્કૂલમાં કેજીથી લઈને ધોરણ-10ના 434 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હવે જો આ શાળાની માન્યતા રદ્દ થાય તો આ બાળકોનું ભાવિ અંધકારમય બને એવી શક્યતાઓ નકારી શકાય નહિ.