અમદાવાદમાં જ્યારે રામ મંદિરની બ્લુપ્રિન્ટ બની અને બાબરી ધ્વંસ માટેની પ્રશિક્ષણ શિબિર યોજાઈ

અમદાવાદ ,14

સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપતા દાયકાઓથી ચાલી રહેલો રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ અને કાનૂની જંગનો કાયદાકીય અંત આવી ગયો છે. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને ભાજપ દ્વારા દેશભરમાં રામ મંદિર નિર્માણની માંગને લઇ ચલાવાયેલું જલદ આંદોલનની ૨૯ વર્ષ પૂર્વેની અમદાવાદમાં બનેલી આ ઘટનાઓ એ રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો.

તા ૦૬-૧૦-૧૯૯૧ના રોજ અમદાવાદના સરખેજ ખાતેના એક મેદાનમાં આયોજિત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આયોજિત દુર્ગાવાહીની-બજરંગદળ પ્રશિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે દેશભરમાંથી આવેલા દુર્ગાવાહીની અને બજરંગદળના ચુનંદા ૧૦૦ જેટલા યુવક યુવતીઓને તેમણે મેળવેલી ટ્રેઇનિંગનું નિદર્શન કરાવ્યું હતું. આ યુવાન કાર્યકરોને અહીં ચાર અઠવાડિયા સુધી રાયફલ શૂટિંગ ટ્રેઇનિંગ, રોપ કલાઇમ્બિંગ, અવરોધ પાર કરવા સહિતની કમાન્ડો સ્ટાઇલની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. એજ દિવસે મોડી સાંજે નારણપુરા સ્થિત સ્થાપત્યકાર ચંદ્રકાન્ત સોમપુરાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અયોધ્યા ખાતે સૂચિત રામ મંદિરની બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ હતી. આ બેઠકમાં પરિષદના અગ્રણીઓ અશોક સિંઘલ, આચાર્ય ગિરિરાજ કિશોર, દાલમિયા , ડો પ્રવીણ તોગડીયા સહિતની ઉપસ્થિતિમાં સોમપુરાએ તેમણે તૈયાર કરેલો અયોધ્યા ખાતે સૂચિત રામ મંદિરની ડિઝાઇનનો નકશો બતાવ્યો હતો. અને પરિષદના નેતાગણ એ સૂચિત રામ મંદિરની ડિઝાઇન અને સ્થાપત્ય અંગે ચર્ચા કરી હતી.

બીજા દિવસે આ તસવીરો અખબારમાં પ્રસિદ્ધ થતા દિલ્હીની કોંગ્રેસ સરકાર હચમચી ગઈ હતી. અને દેશભરમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો એટલુંજ નહિ અખબારની નકલ સંસદમાં દર્શાવાઈ અને કેન્દ્ર સરકાર એ વિહિપના આ ટ્રેઇનિંગ કેમ્પની તપાસના આદેશો આપી દીધા. વિશ્વ હિન્દૂ પરિષદનો ટ્રેઇનિંગ કેમ્પ વિવાદસ્પદ બની ગયો .અને ચર્ચા એમ થવા લાગી કે આ કેમ્પનો ઉપદેશ બાબરી મસ્જિદ દ્વંશ કરવા માટે દુર્ગાવાહીની-બજરંગદળના કાર્યકરોને તૈયાર કરવાનો હતો. જેથી તાલીમ પામેલા બજરંગ દળ – દુર્ગાવાહીની ના કાર્યકરો તેમના રાજ્યોમાં પરત ફરી અન્ય કાર્યકરોને આ તાલીમ આપી શકે.