અમદાવાદ,તા.૮
અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહીતના પશુઓને પકડવા હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ બાદ અમપા તંત્રની સ્થિતિ કફોડી બની ગઈ છે.અમપાનો જે ઢોરવાડો છે એમાં રખડતી ગાયો રાખવાની ક્ષમતા માત્ર ૧૪૦૦ છે.આ પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવતા હોઈ અમપા ગાયોની સંખ્યા વધી જવાના સંજાગોમાં વ્યારાના ટ્રસ્ટને મોકલી આપે છે.શુક્રવારે ૧૯ ગાય-વાછરડા વ્યારા રવાના કરાયા છે.
આ અંગે મળતી માહીતી મુજબ,શહેરમાં રખડતી ગાયો અને અન્ય ઢોર પકડવાના હાઈકોર્ટના આદેશને પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી અમપા સીએનસીડી વિભાગ દ્વારા રોજ અંદાજે ૫૦ થી ૬૦ ગાયો અન્ય રખડતા પશુઓ સાથે પકડી ઢોરવાડા સુધી પહોંચાડાય છે.પરંતુ મેગાસીટી અમદાવાદના આઠ હજાર કરોડના બજેટ ધરાવતા અમપા વહીવટીતંત્ર પાસે માત્ર ૧૪૦૦ ગાયોને જ રાખવાની ક્ષમતા છે.
બીજી તરફ રખડતી ગાયો છોડાવવા જે પશુપાલક આવે તેની પાસેથી વહીવટીચાર્જ લઈ ગાયને ટેગ મરાય છે.જેથી ફરીથી એ ગાય પકડાય તો કોની ગાય છે એ જાણી શકાય.
અમપા પાસે રખડતી ગાયો વધુ સંખ્યામાં રાખવાની ક્ષમતા ન હોવાથી રાજય સરકારના ગૌ સેવા બોર્ડ દ્વારા વ્યારાના ગુરૂકૃપા સેવામય ટ્રસ્ટને માન્યતા આપી હોઈ ન છોડાવાયેલી ગાયો અમપાના વાહનોમાં વ્યારા મોકલી અપાય છે.શુક્રવારે ૧૯ ગાય-વાછરડા મોકલાયા છે.