અમદાવાદ,તા:17 શહેરમાં પ્રદૂષણના આંકડા ખતરનાક રીતે વધી રહ્યા છે, જે માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો કે સરકાર દ્વારા કરવામાં આવતી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ઈલેક્ટ્રિક વ્હીકલ, સીએનજી વાહન અને જાહેર સ્થળે કચરો ન બાળવા માટેનાં અનેક આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે, તેમ છતાં અમદાવાદમાં પ્રદૂષણ ઘટવાનું નામ લેતું નથી. પ્રદૂષણના આ આંકડા જોતાં સરકારી અધિકારીઓ નિયમોની અમલવારીમાં નિષ્ફળ ગયા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને પીઠબળ પૂરું પાડતા હોવાનું સાબિત થાય છે.
અમદાવાદમાં વધતું પ્રદૂષણ ક્યાંકને ક્યાંક સીએનજી રિક્ષાઓને આભારી છે, જે અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં ચાલતી 70 ટકા સીએનજી રિક્ષામાં નકલી ઓઈલનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે પ્રદૂષણની માત્રા વધી રહી હોવાનું જણાયું છે.
પ્રદૂષણ અંગેની તપાસ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી, જેમાં નકલી ઓઈલ બનાવવાનાં ગેરકાયદે કારખાનાં ચાલી રહ્યાં હોવાનું જણાયું હતું. જોવાનું એ છે કે અમદાવાદથી રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં પણ આ નકલી ઓઈલના જથ્થાને પહોંચતો કરવામાં આવે છે. ચંડોળા તળાવ, દાણીલીમડા, નારોલ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટાપાયે આવા નકલી ઓઈલનાં 50થી વધુ કારખાનાં ધમધમતાં હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં રોજનું 500 લિટરથી વધુ નકલી સીએનજી ઓઈલ બનાવવામાં આવે છે.
સીએનજી ઓઈલ બનાવવા માટે ચોક્કસ ધારાધોરણનો અમલ કરવો જરૂરી છે, જે મુજબ ચોક્કસ તાપમાનમાં ઓઈલને ગરમ કર્યા બાદ તેને ગાળીને તેમાં જરૂરી લુબ્રિકેન્ટનો ઉમેરો કરવાનો રહે છે, જેથી સીએનજી વાહન માટે યોગ્ય ઓઈલ બનાવવામાં આવે છે. પરંતુ આવા ગેરકાયદે કારખાનાં ઓઈલને ગરમ કરીને તેમાં કેટલાંક કેમિકલ નાખી રંગ બદલીને ઓઈલને વેચી દે છે, અને મોટો નફો કમાય છે.
નકલી સીએનજી ઓઈલ બનાવનારા લોકો સ્થાનિક સ્તરે માથાભારે હોવા ઉપરાંત જીપીસીબીના અધિકારીઓ સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હોવાના કારણે બેરોકટોક નકલી ઓઈલનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
સ્ટાન્ડર્ડ કપંનીના સીએનજી ઓઇલનો લિટરનો ભાવ રૂ.500થી 700 સુધીનો હોય છે. જ્યારે છૂટકમાં વેચાણ થતા ડુપ્લિકેટ સીએનજી ઓઈલનો ભાવ રૂ.300 સુધી હોય છે. સ્ટાન્ડર્ડ કંપનીના ઓઇલના ઉપયોગ બાદ સીએનજી રિક્ષાનું એન્જિનને રિફાઇન થાય છે અને વાતાવરણને પ્રદૂષણરહિત બનાવે છે, પરંતુ નકલી સીએનજી ઓઇલ તેનાથી ઊલટું કામ કરે છે અને ભારે પ્રદૂષણ ફેલાવે છે. અમદાવાદ શહેરમાં ચાલતી 80 ટકાથી વધારે રિક્ષાના ચાલકો રૂ.300 બચાવવા માટે ડુપ્લિકેટ સીએનજી ઓઈલનો ઉપયોગ કરીને અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે ઓઇલ માફિયાઓને આ ઓઈલ માત્ર રૂ.80થી 100માં જ પડે છે અને બજારમાં તે રૂ.150 પ્રતિલિટરના ભાવે વેચાણ કરે છે. જે બાદમાં ડબલ નફા સાથે વેચાણ થાય છે.
હાલ અમદાવાદમાં અંદાજે સાત લાખ જેટલી ઓટોરિક્ષા છે, જે પૈકી પાંચ લાખ જેટલી રિક્ષામાં નકલી ઓઈલ વાપરવામાં આવે છે. જેના કારણે પ્રદૂષણમાં ખૂબ જ વધારો થાય છે. પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરતા મહેશ પંડ્યા કહે છે કે, હાલ અમદાવાદના પ્રદૂષણનુ સ્તર દિલ્હીની નજીક જઈ રહ્યું છે. દિલ્હીમાં પ્રદૂષણ આસપાસના રાજ્યના કારણે છે પણ અમદાવાદમાં પ્રદૂષણ નકલી સીએનજી રિક્ષાના ધુમાડાથી અને ગેરકાયદે ચાલતાં વાહનોના કારણે છે, જે ખૂબ જ જોખમી બાબત છે. પ્રદૂષણ ઓછું થાય અને તેના પર કાબૂ લઈ શકાય તે માટે સુપ્રીમ કોર્ટે સીએનજી વાહનો શરૂ કરવાની સૂચના આપી. આ રોકવાની જવાબદારી સરકારની છે અને તેમના વિભાગની છે. સરકારે નકલી સીએનજી ઓઇલ બનાવનારાં તત્ત્વો સામે લાલ આંખ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે. નહિતર આવનારા સમયમાં સ્થિતિ હજુ પણ કાબૂ બહાર જઈ શકે તેમ છે.
અમદાવાદના એસ.જી. હાઇવે પર છૂટક સીએનજી ઓઇલનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું કે, આ ઓઇલ માત્ર નામ ખાતર જ સીએનજી ઓઈલ હોય છે અને ખરેખર સીએનજી રિક્ષાને પણ નુકસાન કરે છે, પણ મોટાભાગના રિક્ષાચાલકો સસ્તું ઓઈલ પસંદ કરે છે. જેથી હાલ દિવસમાં આઠ લિટર જેટલું ઓઇલ આરામથી વેચાઈ જાય છે. આ ઓઇલમાં અમને નારોલથી મળે છે.
દાણીલીમડામાં નકલી સીએનજી ઓઇલનો વેપાર કરતા એક વેપારીએ જણાવ્યું કે, અમદાવાદથી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નકલી ઓઇલની સપ્લાય થાય છે, કારણ કે રાજકોટ જેવાં મોટાં શહેરોમાં આ પ્રકારના ઓઇલની વિશેષ માગ રહે છે. અને ત્યાં રૂ.400ના ભાવે વેચાણ થાય છે.
નકલી ઓઇલના કારોબારને રોકવાની જવાબદારી સ્થાનિક પોલીસ અને જીપીસીબીના અધિકારી ઓની છે પણ ઓઇલ માફિયા અસામાજિક તત્ત્વો હોવાથી જીપીસીપીના અધિકારીઓ દરોડો પાડતા પણ ગભરાય છે અને સ્થાનિક પોલીસની સાંઠગાઠના કારણે પણ નકલી સીએનજી ઓઈલનો ગેરકાયદે ધંધો ફૂલ્યોફાલ્યો છે.
કઈ રીતે બનાવવામાં આવે છે નકલી સીએનજી ઓઈલ?
નકલી સીએનજી ઓઈલ બનાવતા અસામાજિક તત્ત્વો શહેરમાં એક મોટું નેટવર્ક ધરાવે છે, જે અમદાવાદમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પણ ધમધમે છે. નકલી ઓઇલ બનાવતા માફિયાઓએ અમદાવાદના વિસ્તારોમાં ગેરકાયદે કારખાનાં શરૂ કર્યાં છે.
નકલી ઓઈલ બનાવવા માટે સૌપ્રથમ અમદાવાદ અને ગુજરાતનાં અન્ય શહેરોમાં આવેલા બાઈક અને અન્ય ટુ-વ્હીલરના સર્વિસ સ્ટેશન પર એકઠા થતા ઓઈલનો જથ્થો એકત્ર કરવામાં આવે છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરના સર્વિસ સેન્ટર્સ પરથી જૂના બળી ગયેલા ઓઈલનો જથ્થો એકત્ર કરવામાં આવે છે, જેને અમદાવાદ ખાતે લાવવામાં આવે છે. આ ઓઇલમાં ધૂળ અને કચરો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાના કારણે તેને ઓઈલમાંથી છૂટા કરવા માટે 50 લિટરના મોટા વાસણમાં બાળવામાં આવે છે. કલાકો સુધી બાળવામાં આવ્યા બાદ તેમાંથી કચરો નીચે બેસી જાય છે. જો કે સૌથી આઘાતજનક બાબત એ છે કે જ્યારે આ ઓઇલનો જથ્થો બાળવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને સૌથી વધારે પ્રદૂષિત કરે છે. બાદમાં કચરો કાઢેલા ઓઇલમાં કેટલાંક કેમિકલ ઉમેરીને તેને 500 એમએલ અને 250 એમએલના પેકિંગમાં પેક કરીને સમગ્ર ગુજરાતમાં પહોંચતું કરવામાં આવે છે. જેનું પેટ્રોલપંપ બહાર બેરોકટોક રીતે વેચાણ કરવામાં આવે છે.