શહેરના રિવરફ્રન્ટ ઉપર રવિવારે રાત્રે ખાનગી ન્યૂઝ ટીવી ચેનલ દ્વારા રાખવામાં આવેલ ડિબેટના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટે ભાજપના કાર્યકરોએ અપશબ્દો બોલાતા મામલો બિચક્યો હતો. કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થતાં માશભાગ થતાં ડિબેટ રદ કરવી પડી હતી. બંને પક્ષે સુત્રોચ્ચારો ચાલુ કરી સામ સામે આવી ગયા હતા. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના કાર્યકરોએ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલના કમાન્ડો અને કોંગ્રેસના કાર્યકર્તા સામ સામે આવી ગયા હતા. પોલીસે ભાજપની ફરિયાદ તુરંત લઈ લીધી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસને આજીજી કરવી પડી હતી. ભાજપ અને કોંગ્રસની મહિલાઓએ સામસામી મારામારી અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી, ઋત્વિજ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી રાજુ પરમાર,શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલાએ બંને પક્ષના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે, ઋત્વિજ પટેલે લોકોને ઉશ્કેર્યા હતા. તેના કમાન્ડોએ કોંગ્રેસના કાર્યકરો ઉપર હુમલો કરતાં મામલો બિચક્યો હતો.
ભાજપની એક મહિલાએ કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સામે ગંભીર અપશબ્દો બોલ્યા હતા. તેનો કોગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અને ભાજપના નેતાઓ સામે નારા બાજી કરી હતી. ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલને કોંગ્રેંસના કાર્યકરોએ ખેંચવાનો પ્રયાસ કરતા તેના કમાન્ડોએ ઋત્વીજને બચાવ્યો હતો.
પોલીસે હળવો લાઠી ચાર્જ કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભાજપના એક નેતાએ મહિલા પીએસઆઇને ધમકી આપી હતી કે, તમારુ આ વલણ યોગ્ય નથી. હું તમારા બક્કલ પટ્ટા ઉતારી દેવડાવીશ. જોકે મહિલા પીએસઆઇએ કોઇ પ્રતિક્રીયા આપી ન હતી. આ બાબતે ઊચ્ચ અધિકારી કંઈ બોલવા તૈયાર નથી.