અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ : ૧૨ દિવસમાં ડેન્ગ્યુના ૩૬૦ કેસ નોંધાયા

અમદાવાદ, તા.૧૪
શહેરમાં આ વર્ષે ૩૪ ઈંચ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. શહેરમાં સપ્ટેમ્બર મહીનામાં એડીસ ઈજીપ્તી મચ્છરના કારણે ડેન્ગ્યુના કુલ ૫૨૨ કેસ નોંધાયા હતા. જેની તુલનામાં ઓકટોબર મહીનાના ૧૨ દિવસમાં ૩૬૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરના ૨૧ પોકેટોમાં પાણી કલોરીન વગરનું આવતુ હોવાનુ પરીક્ષણ સમયે બહાર આવ્યુ છે. જયારે ૧૨ પાણીના નમુના પીવાને લાયક ન હોવાનુ બહાર આવ્યુ છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક માસમાં ડેન્ગ્યુના કારણે પાંચ અને મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કારણે એક એક એમ કુલ સાત લોકોના મોત થયા છે. શહેરમાં ૧૨ ઓકટોબર સુધીમાં મેલેરીયાના કુલ ૧૭૫ કેસ નોંધાયા છે. ઝેરી મેલેરીયાના ૧૧ કેસ નોંધાયા છે. જયારે ડેન્ગ્યુના કુલ ૩૬૦ કેસ નોંધાયા છે. ચિકુનગુનિયાનો એક કેસ નોંધાયો છે.
મચ્છરજન્ય રોગોની સાથે શહેરમાં પાણીજન્ય રોગના કેસ પણ વધ્યા છે. શહેરમાં બાર દિવસમાં ઝાડા-ઉલ્ટીના કુલ ૧૪૧ કેસ નોંધાયા છે. કમળાના કુલ ૧૩૧ કેસ નોંધાયા છે. ટાઈફોઈડના કુલ ૨૩૧ કેસ નોંધાવા પામ્યા છે. શહેરના વિવિધ પોકેટોમાંથી કલોરીન રિપોર્ટ અંગે તપાસ કરાતા ૨૧ પોકેટોમાં કલોરીન વગરનુ પાણી લોકો પી રહ્યા છે. ૬૧૫ પાણીના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૧૨ સેમ્પલ પીવાલાયક પાણી ન હોવાનુ બહાર આવવા પામ્યુ છે.

– લોકો મચ્છરોથી ત્રાસી ગયા…
અમદાવાદ શહેરના લોકો મચ્છરોથી ત્રાસી ગયા છે. લોકોએ મચ્છરોનો ત્રાસ દુર કરવા અમપાને કરેલી ફરીયાદોની આંકડાકીય વિગત આ મુજબ છે. ૧૦ ઓકટોબર સુધીની આ વિગતો છે.
ઝોન ફરીયાદો
પશ્ચિમ ૫૭૮
ઉત્તર-પશ્ચિમ ૧૮૬
દક્ષિણ-પશ્ચિમ ૨૦૨
દક્ષિણ ૨૦૪
મધ્ય ૧૮૨
પુર્વ ૧૦૩
ઉત્તર ૧૪૧

– સપ્ટેમ્બરમાં કેટલી ફરીયાદો…
સપ્ટેમ્બરમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મચ્છરો મામલે કુલ ૬૮૬ અને દક્ષિણપશ્ચિમ ઝોનમાં કુલ ૭૬૬ ફરીયાદો લોકો દ્વારા કરાઈ હતી.