અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીના વિસ્તારમાં આવેલા મોલમાં C.C.T.V. કેમેરા કાર્યરત કરવા ઇનચાર્જ પોલીસ કમિશ્નરશ્રીએ આદેશ કર્યો છે. મોલમાં માલિકીની ફેરબદલ થાય ત્યારે પોલીસ કમિશનર કચેરીની સ્પેશિયલ બ્રાન્ચમાં જાણ કરવા, મોલ આવતાં તમામ માલસામાનનું ચેકીંગ કરવા, મોલમાં રાઉન્ડ ધ ક્લોક સલામતીની વ્યવસ્થા ગોઠવવા તથા મોલમાં વિસ્ફોટક પદાર્થો ન આવે તેની ચકાસણી માટે સ્નીફર ડોગ તૈનાત કરવા આદેશ કર્યો છે. તા. ૦૩-૦૮-૨૦૧૯ થી તા. ૦૧-૧૦-૨૦૧૯ (બંન્ને દિવસો સહિત) સુધી અમલી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.
તારીખ ૧૨-૦૮-૨૦૧૯ ના રોજ બકરી ઈદનો તહેવાર આવે છે. આ પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. જાહેરમાં દેખાય તે રીતે પશુની કતલના કારણે સુલેહ શાંતિનો ભંગ થવા સંભવ રહે છે. આથી કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની શેરી કે મહોલ્લામાં, જાહેર કે ખાનગી વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા કે સરઘસ પ્રકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં. બકરી ઈદ તહેવાર નીમીતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.
૦૯-૦૮-૨૦૧૯ થી ૧૮-૦૮-૨૦૧૯ (બંન્ને દિવસો સહિત) દરમિયાન આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે એમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અખબારી યાદીમાં જણાવાયું છે.