અમદાવાદ એરપોર્ટ પર આતંકી હુમલાની દહેશતનાં પગલે બમણી સિક્યોરિટી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને પાકિસ્તાન અને આતંકીઓનાં પેટમાં તેલ રેડાયું છે. સેના-પોલીસ અને વિવિધ સુરક્ષા દળોનાં કેમ્પ પર હુમલો કરવાનું ષડયંત્ર જૈશ-એ-મોહમ્મદ રચી શકે છે. ત્યારે ગુજરાત સહિત દેશભરનાં અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. કલમ 370 હટાવવાનાં નિર્ણયને પગલે પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનો ભારતમાં હુમલા કરાવી શકે એવી શક્યતાને જોતાં અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા બમણી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 રદ્દ કરાયા પછી અને ભારતનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો હોવાના કારણે દેશના તમામ એરપોર્ટ આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોવાના જોખમને ધ્યાનમાં લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવા માટે કડક સુરક્ષા પ્રોટોકોલ બહાર પાડ્યા છે. બ્યૂરો ઓફ સિવિલ એવિયેશને માર્ગદર્શિકા જાહેર કરી દેશના 19 એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવા જણાવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. સમગ્ર એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા બમણી કરીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મંત્રાલયની માર્ગદર્શિકા

ભારતનાં તમામ એરપોર્ટ્સની સુરક્ષાની જવાબદારી સંભાળતી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસાર દેશનાં મોટા મહાનગરોના એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર જતા તમામ વાહનોની એક કિમી દૂરથી તપાસ કરવાની રહેશે. સંપૂર્ણ ચકાસણી પછી જ વાહનને એરપોર્ટમાં પ્રવેશ આપવાનો રહેશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી તમામ રાજ્યોને પણ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના આદેશ અપાયા છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આવતા ઓછામાં ઓછા 10 ટકા વાહનોની રેન્ડમલી 31 ઓગસ્ટ સુધી ગહન સુરક્ષા કરવાની રહેશે.

આ ઉપરાંત મુંબઈ પોલીસને અહીં 24X7 કલાક પુરતી પોલીસ વ્યવસ્થા અને જરૂરી ઉપકરણો લગાવવાના પણ આદેશ અપાયા છે.

આગામી 10 ઓગસ્ટથી દેશના તમામ મોટા એરપોર્ટ પર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર કાયદેસરની ટિકિટ ધરાવતા પ્રવાસીને જ એરપોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે અને તેની સાથેના સામાનની પણ પૂર્ણ તપાસ કરવામાં આવશે.

મુલાકાતીઓના પ્રવેશનો આ પ્રતિબંધ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ ગયા પછી એક સપ્તાહ સુધી લાગુ રહેશે.