અમદાવાદ કોર્પોરેશનની અધિકારીઓ માટે બેવડી નીતિ

અમદાવાદ,તા:૧૨ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેવડી નીતિ આંતરિક અસંતોષ ઊભો કરી રહી છે. મ્યુનિ. કમિશનર કેટલાક ચોક્કસ લોકોની તરફદારી કરવા અન્ય અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક માનીતા કર્મચારીઓને પ્રમોશન આપવાની સાથે કેટલાક અણમાનીતાને નોટિસ આપી સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યાં.

અમદાવાદમાં નિકોલની પાણીની ટાંકીના બાંધકામ સમયે સ્લેબ તૂટવાની ઘટના બની હતી, જેમાં કોઈ જાનહાનિની ઘટના બની નહોતી. આ ઘટનામાં પ્રાથમિક તબક્કે જ એડિશનલ ઈજનેર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાયા, જે બિલકુલ ગેરવાજબી હતું. સામાન્ય રીતે આવી ઘટનામાં વોર્ડ અથવા ડેપ્યુટી કક્ષાના કર્મચારીને નોટિસ આપી ખુલાસો લેવાય છે, અને જો જરૂર જણાય તો જ ઉચ્ચ અધિકારીને નોટિસ આપી જવાબ લેવાય છે. આ ઘટનામાં મ્યુનિ. કમિશનર દ્વારા કેમ નિયમોનું ઉલ્લંઘન કરાયું અને કેમ ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરાયા તેનો જવાબ મળતો નથી. જોવાનું એ છે કે સત્તાધારી પક્ષ પણ નિર્ણય પર જોયાજાણ્યા વિના સહમતી આપી દે છે.

સૂત્રોનું માનીએ તો નિકોલ ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં જે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે મ્યુનિ. કમિશનરની ગુડબુકમાં નથી. આ અધિકારીની પ્રમોશનની ફાઈલ 6 મહિનાથી દબાવી રખાઈ છે, અને તેમને દૂર કરવા જ આ પગલાં લેવાયાં છે.

બીજી તરફ વાત કરીએ તો 2017માં થયેલા બિલિંગ કૌભાંડ અને તૂટેલા રોડ અંગે ગંભીર ફરિયાદો થઈ હતી. બિલિંગ કૌભાંડની ગંભીર ફરિયાદ બાદ તત્કાલીન મ્યુનિ. કમિશનરે વોર્ડકક્ષાના 7 કર્મચારીને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે રોડ તૂટવા મુદ્દે એડિ. એન્જિનિયર્સને નોટિસ પાઠવાઈ હતી, જે તપાસ નિયમ મુજબ વોર્ડકક્ષાથી જ થવાની હતી.

રોડ તૂટવાની ઘટના અંગે બાદમાં એડિ. એન્જિનિયર્સ પાસેથી જવાબ પણ લેવાયા, પરંતુ બાદમાં ફાઈલને કોરાણે મૂકી ભૂલી જવામાં આવી. જો કે નિકોલની ઘટનામાં આ પ્રક્રિયા પણ હાથ ધરાઈ નથી. નિકોલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઓઢવ પમ્પિંગ સ્ટેશનની ઘટનામાં તો 4 વ્યક્તિનાં મોત થયાં હોવા છતાં નોટિસ આપવા જેવી ઔપચારિકતા પણ ન કરાઈ.

જોવાનું એ છે કે રોડ કૌભાંડમાં જ સામેલ એક એડિ. એન્જિનિયરને હાલના મ્યુનિ. કમિશનરે પ્રમોશન આપી સિટી ઈજનેર-ડ્રેનેજની જવાબદારી સોંપી. જાણવામાં આવી રહ્યું છે કે આ અધિકારી સામેની તપાસ રફેદફે કરી શરતી પ્રમોશન અપાયું છે. જો કે આ અધિકારીને પ્રમોશન બાદ મ્યુનિ. કમિશનર જ હેરાન થયા હોવાનું જણાય છે, કારણ કે સાબરમતી શુદ્ધિકરણ તથા STPમાં નિષ્ફળતા જ મળી છે.

કોર્પોરેશનના અધિકારીઓ પ્રત્યે આ વહાલાં-દવલાંની નીતિ અંગે મ્યુનિ. કચેરીમાં ફરજ બજાવતા નૈનેશ દોશી પર શંકાની સોય તકાઈ રહી છે. આ તમામ એડિ. એન્જિનિયર્સની કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકવામાં નૈનેશ દોશી ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મ્યુનિ. કમિશનર હાલમાં બે વ્યક્તિની કારકિર્દી ઘડવા અને અન્ય અધિકારીના નામ પર દાગ લગાવવાના પ્રયાસ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે નૈનેશ દોશીને ઉચ્ચ હોદ્દો આપવાના હોવાની પણ ચર્ચા થઈ રહી છે.