અમદાવાદ,તા.02
(વિપુલ રાજપૂત)
અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલપંપ ઉપર ઘણીવાર લોકોને પેટ્રોલ-ડીઝલ ઓછું આપવામાં આવતું હોય તેવી ઘણી ઘટનાઓ બની છે. લોકોની આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ તોલમાપ ખાતાને લાખો રૂપિયાના આધુનિક સાધનો આપ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે તોલમાપ ખાતાના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો આ આધુનિક સાધનો ઉપયોગ કરતાં જ નથી. પરિણામે છેલ્લા કેટલાય મહિનાઓથી અમદાવાદની તોલમાપ ખાતાની કચેરીમાં લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે.
ઓછું ઇંધણ આપી છેતરપીંડી
અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલા જુદાં જુદાં કેટલાય પેટ્રોલપંપ ઉપર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠી છે. ઘણાં પેટ્રોલપંપના સંચાલકો જુદી જુદી ટેકનિકો વાપરીને લોકોને યેનકેન પ્રકારે ઓછું ઇંધણ આપી ખુલ્લેઆમ છેતરપીંડી કરે છે.
દ્વિચક્રી વાહનો ઉપરાંત ખાસ કરીને કારચાલકો સાથે કેટલાક પેટ્રોલપંપ ઉપર નિયમિતપણે છેતરપીંડી થાય છે. પરિણામે પૂરતા પૈસા ચૂકવ્યા છતાં લોકોને ઓછું પેટ્રોલ ડીઝલ આપવાની ફરિયાદો અગાઉ થઈ છે.
ચેકમેજર્સ સાધનોનાં પેકીંગ પણ ખોલવામાં આવ્યા નથી
અમદાવાદના લીગલ મેટ્રોલોજી ઇન્સ્પેકટર એસોસિએશનના માજી પ્રમુખ અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલા કહે છે કે, તોલમાપ ખાતામાં અમદાવાદ અને ગાંધીનગર એક નિયંત્રકના હેઠળ આવે છે. પેટ્રોલપંપ ઉપર ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના જથ્થા ની ચકાસણી કરવા રૂ ૪૫૦૦૦ નું એક એવા ૧૨ જેટલા ચેકમેજર્સ સાધનો મોકલ્યા છે. પરંતુ તોલમાપ ખાતાના ઇન્સ્પેક્ટરો આ સાધનો વાપરતા જ નથી. આ સાધનો આવ્યા ત્યારથી તેનાં પેકીંગ પણ ખોલવામાં આવ્યા નથી. જેથી પ્રજાને એક્યુરેટ એટલે કે પૂરતા પ્રમાણમાં ડીઝલ પેટ્રોલ મળે છે કે કેમ ?તેની યોગ્ય ચકાસણી થતી જ નથી. પરિણામે ઓછું પેટ્રોલ ડીઝલ આપનારા પકડાતા નથી. વળી સરકારનો નિયમ હોવા છતા યોગ્ય સાધનો ન વાપરતાં તોલમાપ ખાતાના ઇન્સ્પેક્ટરો સામે વિભાગના ઉચ્ચ અધિકારીઓ કોઈ જ શિક્ષાત્મક પગલાં ભરતાં નથી. આ પેટ્રોલપંપ ઉપર લોકો ખુલ્લેઆમ છેતરાય છે અને તોલમાપ ખાતાના અધિકારીઓ તેની સામે રીતસરના આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી આ અંગે અમે તોલમાપ નિયંત્રક અને વિભાગના વડા ડી એલ પરમાર, નાયબ નિયંત્રક એસ એન પાટડીયા સહિત ગાંધીનગર માં પણ ઉચ્ચ અધિકારીઓ ને ફરિયાદ કરી છે. એમ જસવંતસિંહ વાઘેલાએ જણાવ્યું છે.
પેટ્રોલપંપના સંચાલકો અને તોલમાપ ખાતા અધિકારીઓની મિલીભગત
જશવંતસિંહ વાઘેલા કહે છે કે, ભૂતકાળમાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક પેટ્રોલપંપ ઉપર આવેલા પેટ્રોલ ડીઝલના ડિલિવરી મશીનની અંદરથી સર્કિટ પકડાઈ છે. આ પ્રકારની સર્કિટ રિમોટથી ઓપરેટ થતી હોવાથી સામાન્ય નાગરિકને આ પ્રકારની છેતરપીંડીનો ખ્યાલ પણ આવતો નથી. તદુપરાંત ડિલિવરી મશીનની નોઝલ સાથે ચેડાં કરીને પણ લોકોને તેમણે ચૂકવેલ નાણાં કરતા ઓછું પેટ્રોલ-ડીઝલ આપીને ધરાર છેતરપીંડી કરવામાં આવે છે. આ તબક્કે કેન્દ્ર સરકાર તરફથી તોલમાપ ખાતાને મળેલ આધુનિક ચેકમેજર્સ સાધનો છેતરપીંડી પકડવામાં ખૂબ કારગર નીવડે એમ છે. છતાં તોલમાપ ખાતાનાં અધિકારીઓ તેનો ઉપયોગ કરતાં નથી. જે છેતરપીંડી કરતાં પેટ્રોલપંપના સંચાલકો અને તોલમાપ ખાતાના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત તરફ સ્પષ્ટ અંગુલીનિર્દેશ કરે છે. ગાંધીનગર ખાતેના તોલમાપ વિભાગના નાયબ નિયંત્રક એસ એન પાટડીયાને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે, આ અંગે અમે તોલમાપ ખાતાની કચેરીમાં તપાસ કરાવીશું અને ચોક્કસ યોગ્ય પગલાં લઈશું.