અમદાવાદ પોલીસ એક શિક્ષક બનીને ગરીબ બાળકોને આપી રહી છે શિક્ષણ

એજ્યુકેશન ઓન રોડ્સ ‘પોલીસ પાઠશાળા’ પહેલ અંતર્ગત અમદાવાદની પકવાન, કાંકરિયા અને દાણીલીમડા પોલીસ ચોકીમાં બાળકોને અપાઇ રહ્યું છે શિક્ષણ

શિક્ષણની સાથે-સાથે બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે ફરી નાસ્તો આપવામાં આવે છે

પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. ત્યારે અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-૨, દાણીલીમડા અને કાંકરિયા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની આસપાસ ભીખ માંગતા, ઝુંપડપટ્ટીમાં રહેતા અને જરુરિયાતમંદ બાળકો માટે પોલીસ શિક્ષક બનીને આ બાળકોને ભણાવી રહી છે.

શહેરના પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બુથની અંદર બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. લગભગ છેલ્લાં એક વર્ષથી સવારે ૯થી બપોરના ૨ વાગ્યા સુધી ચાલતી  ‘પોલીસ પાઠશાળા’ના કારણે ઘણા ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. પોલીસના આ ભગીરથ કાર્યના કારણે આસપાસના ગરીબ બાળકોએ ભીખ માગવાનું કામ છોડીને ભણવા પ્રત્યે પ્રેરિત થયા છે.

પોલીસની આ ભગીરથ પહેલને લઇને પીઆઇ એન.એચ.રાણાએ કહ્યું કે, પોલીસ પાઠશાળા’ શરૂ થઈ ત્યારે સૌથી મોટી ચેલેન્જ હતી કે બાળકોને કેવી રીતે પોલીસ સ્ટેશનમાં ભણાવવા લાવવા ?  કેમ કે ઘણા બાળકો તમાકું જેવી વસ્તુઓના વ્યસની હતા. વળી મા-બાપ માટે પણ કમાવવાનું સાધન હોવાથી બાળકોના વાલીઓને પણ રાજી કરવા અઘરા હતા. ત્યારે શરુઆતમાં બાળકોને કક્કો શીખવાને બદલે વ્યસનમુક્ત કર્યા અને ત્યાર બાદ શિક્ષણ આપી એક સારા નાગરિક બનાવ્યા. હાલ, આ પાઠશાળાની અસર એ થઈ છે કે, જે બાળકો એક સમયે તેમનું નામ પણ નહોતા બોલી શકતા તેઓ હવે તેમનું નામ લખતા વાંચતા શીખી ગયાં છે.

આ પ્રોગ્રામમાં કો-ઓર્ડિનેટરની ભૂમિકા ભજવનાર રિંકલ પટેલે કહ્યું કે, ‘પોલીસ પાઠશાળા’ પહેલ અંતર્ગત પોલીસ દ્વારા રસ્તા પર ભીખ માંગતા અને આજુબાજુના સ્લમ વિસ્તારના બાળકોને ટ્રાફિક પોલીસ બુથમાં જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ૨૦૧૮માં શરૂ થયેલી ‘પોલીસ પાઠશાળા’માં શરુઆતના દિવસોમાં ૫ થી ૧૦ બાળકોને ભણવા આવતા હતા. આજે એક વર્ષના અંતે પોલીસના પ્રયત્નોથી દરરોજ ૨૨-૨૫  બાળકો સોમવારથી-શનિવાર સુધી સવારના ૯થી બપોરના ૨ વાગ્યા સુધી ‘પોલીસ પાઠશાળા’માં ભણી રહ્યા છે. હાલ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તેના અંતર્ગત પકવાન પોલીસ ચોકીમાં ભણતા બાળકો દ્વારા સ્પેશિયલ રાખડી બનાવવામાં આવી છે.

બાળકો ભણવાની સાથે-સાથે વિવિધ પ્રકારની એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટી પણ કરાવવામાં આવી રહી છે. આ સાથે અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-૨ પોલીસ ચોકીમાં બાળકોને સવારે નાસ્તો, બપોરે જમાવાનું અને સાંજે ફરી એકવાર નાસ્તો સાથે દરરોજ એક ફ્રૂટ પણ આપવામાં આવે છે. આ ‘પોલીસ પાઠશાળા’માં એએસપી, ડીસીપી, એએસઆઇ, પીઆઇ, કોન્સ્ટેબલની સાથે-સાથે વિવિધ સંસ્થાઓનો વોલિયન્ટિયર્સ અત્યાર સુધી બાળકોને ભણાવી ચૂક્યા છે.

‘પોલીસ પાઠશાળા’ શરુ થઇ ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરીને બાળકોને નાસ્તો, સ્ટેશનરી, બુક ઉપરાંત જરુરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. હાલ પોલીસ સ્ટાફની સાથે-સાથે લોકોના સહયોગથી ‘પોલીસ પાઠશાળા’ ચાલી રહી છે.

એસ.જી હાઈ-વે ટ્રાફિક પોલીસનાં આ સફળ અને પ્રેરણાદાયી અભિગમ બાદ અન્ય જગ્યાઓ જેમ કે ઝોન-૬માં આવેલા કાંકરિયા અને દાણીલીમડાં પોલીસ સ્ટેશન ચોકીમાં પણ ‘પોલીસ પાઠશાળા’ શરુ થઇ છે. હાલ કાંકરિયા પોલીસ સ્ટેશન ચોકીમાં બપોરના ૫થી સાંજના ૭ વાગ્યા સુધી ૨૦ બાળકો અને દાણીલીમડા પોલીસ ચોકીમાં સવારે ૮થી બપોરના ૧૨ વાગ્યા સુધી ૨૨ બાળકોને ‘પોલીસ પાઠશાળા’ પહેલ અતર્ગત ભણાવવામાં આવી રહ્યા છે.