કલાઇમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા અંગે જનજાગૃતિ લાવવા અને યુવા પેઢીમાં વિજ્ઞાન-ટેક્નોલોજી પ્રત્યે અભિરુચિ કેળવવા ભારત સરકાર દ્વારા સાયન્સ એક્સપ્રેસ કલાઇમેટ એક્શન સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અલબત્ત, વિવિધ વૈજ્ઞાનિક મોડલ્સ અને ચિત્રોના પ્રદર્શન સાથેની, દેશભરમાં ફરી રહેલી આ ટ્રેન અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ પાસેના યાર્ડમાં છેલ્લા બે વર્ષ ઉપરાંતથી પડી પડી ધૂળ ખાઈ રહી છે. ટ્રેનની અંદર મુકાયેલા પ્રદર્શનોની સ્થિતિ કેવી થઇ ગઈ હશે તેની તો માત્ર કલ્પનાજ કરવી રહી. ઉલ્લેખનીય છે કે, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ દિલ્હીથી ફ્લેગ ઑફ કરાયેલી આ ટ્રેનનો છેલ્લો હોલ્ટ અમદાવાદ નજીક આવેલા ખોડિયાર સ્ટેશન રહ્યો જ્યા આ ટ્રેને પાંચ સપ્ટેમ્બરથી ચાર દિવસ રોકાણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત લોકોએ તેની મુલાકાત લીધી હતી. બાદ અમદાવાદ આવી ગયેલી સાયન્સ એક્સપ્રેસ હવે આગળ ક્યારે વધશે તે એક પ્રશ્ન છે. ફોટો:કલ્પિત ભચેચ