અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વડોદરામાં પણ નવરાત્રી આયોજનને અસર

જૂનાગઢ,તા:૨૯  રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.

રાજકોટમાં ઠેરઠેર ગરબાનાં આયોજન રદ કરવામાં આવ્યાં છે, જે અંતર્ગત કેટલાંક પ્રાચીન અને અર્વાચીન ગરબાનાં આયોજન પણ 2 દિવસ માટે કદ કરાયાં છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું છે, રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પરનાં કેટલાંક ગરબા આયોજન પણ રદ કરવામાં આવ્યાં છે. અમદાવાદ ખાતે રાજપથ અને કર્ણાવતી ક્લબની લોનમાં પણ પાણી ભરાતાં બે દિવસ ગરબા રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગરબા મહોત્સવ પણ રદ કરાયો છે.