અમદાવાદ, તા.૮
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ હાઉસ ખાતે શુક્રવારે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર પિટર કૂક અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિકાસનું પ્રેઝન્ટેશન જોઈ યુ.કે. સરકાર શહેરના વિકાસ પ્રોજેક્ટસમાં મદદરૂપ થવા તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ આવનારા સમયમાં યુ.કે. હાઈ કમિશનની એક ટીમ અમદાવાદની મુલાકાતે આવી શહેરના વિકાસના પ્રોજેક્ટસમાં મદદરૂપ થવા માર્ગદર્શન આપશે એમ પણ કહેવાયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રિવરફ્રન્ટ ખાતે આવેલા રિવરફ્રન્ટ હાઉસ ખાતે આજે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર પિટર કૂક અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વચ્ચે અમદાવાદ શહેરના સ્માર્ટસિટી મિશન હેઠળ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ વિશે લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. દરમિયાન ડેપ્યુટી હાઈકમિશનર પિટર કૂકને અમદાવાદ શહેરમાં હાલ ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગેનું એક પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશન જાઈ કૂકે પ્રતિક્રિયા આપતાં કહ્યું, સસ્ટેનેબલ સિટી ફોર શેર પ્રોસ્પરિટી (એસસીએસપી) હેઠળ બ્રિટિશ સરકાર અમદાવાદ શહેરના વિકાસ માટે ચાલી રહેલા પ્રોજેક્ટસમાં મદદરૂપ થવા તૈયાર છે. ખાસ કરીને અમદાવાદ શહેરના અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અને હેલ્થના પ્રોજેક્ટસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મદદરૂપ થવા અને માર્ગદર્શન આપવા આવનારા સમયમાં બ્રિટિશ હાઈકમિશનની ટીમ અમદાવાદ શહેરની મુલાકાતે આવશે, જે પછી પ્રોજેક્ટસમાં ક્યાં-કેવી રીતે મદદરૂપ બનવું તે નક્કી કરાશે.