અમદાવાદ શહેરમાંથી એક માસમાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક એકઠો કરાયો

અમદાવાદ, તા.૦૨
અમદાવાદ શહેરમાં અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવાની ઝુંબેશ દરમિયાન એક મહીનામાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ એકઠો કરાયો છે. જે પૈકી ૧૪૦ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ તો શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાંથી એકઠો કરાયો છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલ અને કમિશનર વિજય નહેરા દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામા આવી હતી. અમદાવાદ શહેરમાં તંત્ર તરફથી પહેલી સપ્ટેમ્બરથી પ્લાસ્ટીક વેસ્ટને લઈને લોકોમાં અવેરનેસના કાર્યક્રમોથી લઈને વિવિધ વિસ્તારોમાં રેલીનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ. એક મહીનામાં શહેરના સાતઝોનમાંથી ડોર ટુ ડમ્પ કામગીરી હેઠળ કુલ મળીને ૧૪૦ મેટ્રીકટન જેટલા પ્લાસ્ટીક વેસ્ટને એકઠો કરવામા આવ્યો હતો. ઉપરાંત શહેરના વિવિધ રસ્તાઓ, ગાર્ડન અને અન્ય જાહેર સ્થળોએથી લોકો દ્વારા નાંખવામા આવેલા પ્લાસ્ટીક વેસ્ટ એમ કુલ મળીને ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટને એકઠો કરીને ડમ્પસાઈટ સુધી પહોંચાડવામા આવ્યો છે. શહેરમા છેલ્લા બે દિવસથી જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ લોકોને પ્લાસ્ટીકના વપરાશથી દુર રહેવા સમજુત કરાઈ રહ્યા છે જે માટે રેલસહીતના કાર્યક્રમો દ્વારા ૨૫.૯૦ લાખ લોકો સુધી તંત્ર પ્લાસ્ટીકનો વપરાશ ટાળવા પહોંચ્યુ હોવાનુ સત્તાવાર કહેવામા આવ્યુ છે.