અમદાવાદ, તા.૯
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સેવા કે જે વર્ષ-૧૯૪૭માં આ શહેરમાં શરૂ કરાઈ હતી. આ સેવા આજે રૂપિયા ૨૮૦૦ કરોડના આર્થિક બોજ હેઠળ દબાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં એએમટીએસના વધતા જતા રોજીંદા ખર્ચ ઉપર અંકુશ લગાવવા એએમટીએસ દ્વારા શહેરમાં પાઈલોટ પ્રોજેકટ હેઠળ વીસ જેટલી કંડકટરલેસ એટલે કે કંડકટર વિનાની બસ શરૂ કરાઈ છે. એએમટીએસ દ્વારા શરૂ કરવામા આવેલી આ બસોની એક ટ્રીપમાં માંડ ત્રણસો કે ચારસો રૂપિયાનો વકરો આવે છે. સામે પક્ષે આ બસોમાં બેસી મુસાફરી કરવા માંગતા મુસાફરોની વિટંબણા એ છે કે તેમની પાસે જનમિત્ર કાર્ડ હોય ન તો બસમાં બેસવા દેવાતા નથી. આ દરમિયાનમા આવનારા સમયમાં વધુ ૩૦૦ જેટલી બસો લેવા ટેન્ડર એએમટીએસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહીતી અનુસાર, અમદાવાદ શહેરમાં વર્ષો અગાઉ શરૂ કરાયેલા અને એ સમયે અને આજે પણ ભારે ખોટ કરી રહેલા રૂટો ઉપર કંડકટર વિનાની બસો દોડાવવા એએમટીએસ દ્વારા નિર્ણય કરાયો છે. આ નિર્ણય પ્રમાણે બસમાં માત્ર ડ્રાઈવર હશે અને મુસાફરોએ તેમની પાસે રહેલા જનમિત્ર કાર્ડને બસની અંદર રહેલા પોલ વેલિડેટર મશીનમાં ટેપ કરવાનુ રહેશે. એએમટીએસ દ્વારા આ બસ અંગે બહોળો પ્રચાર કર્યા વિના સીધી પાઈલોટ પ્રોજેકટમાં આ બસો દોડાવવાની શરૂ કરવામા આવી હોવાથી આ બસોમાં બેસવા ઈચ્છતા સંખ્યાબંધ મુસાફરોને જનમિત્ર કાર્ડના અભાવે બસમાંથી ઉતારી દેવામા આવ્યા હોવાના બનાવો પણ તંત્રના ધ્યાનમાં આવ્યા છે.
ચેરમેન અતુલ ભાવસાર શુ કહે છે
આ બસો શરૂ કરવા અંગે ચેરમેન અતુલ ચીમનલાલ ભાવસારનો સંપર્ક કરવામા આવતા તેમણે કહ્યુ,આ શહેરમાં વર્ષો પહેલા શરૂ કરાયેલા રૂટો બંધ કરી શકાય એવી હાલત નથી. પણ અમે એવો નિર્ણય કર્યો કે, આ પ્રકારના રૂટો કે જયાં વકરો ઓછો થતો હોય અને બસની સંખ્યા પણ એક કે બે હોય ત્યાં કંડકટર વિનાની બસ દોડાવવી. વકરો એ મહત્વનો નથી પણ સામે કંડકટરને આપવા પાત્ર રોજની હજારથી વધુની રકમનો બોજ તંત્ર પરથી ઓછો થાય છે.
આ બસોમાં જનમિત્ર કાર્ડ વગર મુસાફરોને બસમા બેસવા દેવાતા નથી એ ફરીયાદોનુ શું? એવા પ્રશ્નના જવાબમા તેમણે કહ્યુ, અમે બસમાં જ લોકોને જનમિત્ર કાર્ડ મળી જાય એવી વ્યવસ્થા શરૂ કરી છે. બસમાં આઈસીઆઈસીઆઈ જેને જનમિત્રકાર્ડની જવાબદારી સોંપવામા આવી છે એના એક કર્મચારી સતત હાજર રહેશે અને જે મુસાફરોને જનમિત્ર કાર્ડ જાઈતુ હશે એમને પુરાવા આપ્યાથી કાઢી આપવામાં આવશે.
આ કાર્ડ ૫૦ રૂપિયાથી લઈ સો રૂપિયા કે તેથી વધુ કિંમતમાં પણ કાઢી આપવામા આવશે. મુસાફરોને જો રકમ પરત જોઈતી હોય તો ભવિષ્યમાં પરત પણ મળી શકે એવી પણ વ્યવસ્થા રાખેલી છે. સાથે જ આ કાર્ડની મદદથી લોકો ખરીદી પણ કરી શકે છે એમ ચેરમેનનું કહેવું છે.
વાસ્તવિકતા શું છે?
ચેરમેન અતુલ ભાવસારના જનમિત્ર કાર્ડના દાવાની સામે સારંગપુર ટર્મિનસ ખાતે એવું જોવા મળ્યું છે કે, બે પ્રૌઢ ફરીયાદ લઈને આવ્યા કે, અમે જનમિત્ર કાર્ડ લેવા માટે રકમથી લઈને પુરાવા સુધીની બધી પ્રક્રિયા પૂરી કરી લીધી છે. તેમ છતાં ત્રણ ધકકા ખાધા તો પણ અમને હજુ સુધી જનમિત્ર કાર્ડ મળ્યુ નથી. આજે અમને કાર્ડ લેવા બોલાવ્યા હતા. અમે સ્લીપ લઈને આવ્યા છીએ હવે સ્ટાફ એમ કહે છે, નેટ બંધ છે એટલે કાલે આવજો, અમારે કેટલા ધકકા ખાવાના.
કયા-કયા રૂટો પર બસ શરૂ કરાઈ
એએમટીએસ દ્વારા રૂટ નંબર-૧૫ શટલ,૪૨,૪૫,૬૪-૩,૧૨૪,૧૩૦-૨,૧૩૩,૭૬,૧૧૭ સહીતના અન્ય રૂટો પર આ પ્રકારની બસ શરૂ કરાઈ છે.
ભાડાનો દર શું છે?
આ બસોમાં ભાડાનો દર રૂપિયા પાંચ, દસ અને મહત્તમ પંદર રાખવામાં આવ્યો છે.