અમદાવાદ,તા.૨૧
૨૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ અગાઉ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબા યોજવા માટે ૨૧ સપ્ટેમ્બર સુધીમાં કુલ મળીને ૨૬ જેટલા આયોજકો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરાઈ છે.જેમાં જરૂરી પૂર્તતાના આધારે ચકાસણી કરી ફાયર એનઓસી આપવામાં આવશે.
અમદાવાદમાં દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટો સહીતના અન્ય સ્થળોએ ગરબાના આયોજકો દ્વારા ગરબાનુ આયોજન કરવામાં આવતુ હોય છે.આ વર્ષે સુરતના સરથણા વિસ્તારમાં બનેલા અગ્નિકાંડ બાદ બનાવવામાં આવેલા કડક નિયમો છતાં ૨૬ જેટલા આયોજકો દ્વારા ફાયર વિભાગની એનઓસી માંગવામાં આવી છે.આ અંગે ચીફ ફાયર ઓફિસર મહેરનુસ એફ દસ્તુરે એક વાતચીતમાં કહ્યુ,અમદાવાદ શહેરમાં એક સમયે ગરબા આયોજકો ફાયર એનઓસી લેવામાં માનતા જ નહતા.પરંતુ તંત્રથી લઈને કોર્ટ સુધીના નિયમો કડક બનતા આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૨૬ આયોજકોએ ફાયર એનઓસી માંગી છે.ડીવીઝનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે એક વાતચીતમાં કહ્યુ,ફાયર એનઓસી મેળવવા માટે લાકડાનો ઉપયોગ ન કરવા,કપડાનો ઉપયોગ ન કરવા ઉપરાંત ખુલ્લા વાયરીંગ ન રાખવા જેવા નિયમો છે.ઉપરાંત ઝડપથી સળગી ઉઠે એવા પદાર્થો ન રાખવા તેમજ જયાં ગરબાનુ આયોજન કરવામાં આવતુ હોય એવા સ્થળોએ રેતીના ભરેલા થેલા રાખવા,પાણી ભરેલા પીપડા રાખવા જેવા નિયમો પણ અમલમાં છે.સાથે જ વાયરીંગ પીવીસીની પાઈપમાં થયેલુ હોવુ જાઈએ.