અમદાવાદ,તા:૧૧ આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી.
અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે, જે ડહોળું હોવાની સાથે દુર્ગંધયુક્ત પણ હોય છે. નાગરિકોની ભારે બૂમરાણ બાદ આરોગ્યખાતા દ્વારા પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં, જેમાંથી લગભગ તમામ અનફિટ રહ્યાં હતાં. આવાં પાણીના કારણે શહેરમાં કમળો, ટાઈફોઈડ, ઝાડા-ઊલટી અને કોલેરાના દર્દીઓમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. આવા પ્રદૂષિત પાણી અંગે શાસક અને વિપક્ષ દ્વારા અનેક ફરિયાદો થઈ, ત્યાં સુધી કે સામાન્ય સભામાં પણ વિપક્ષ દ્વારા આ અંગેની ફરિયાદ કરવામાં આવી, તો પણ આવી અનેક ફરિયાદ છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. મ્યુનિ. કમિશનરને આ અંગે ભાજપ કોર્પોરેટર મયૂર દવેએ બાદમાં ફરીથી અંગ્રેજીમાં ફરિયાદ કરી. પ્રદૂષિત પાણીની સમસ્યાથી વધતા રોગચાળામાં સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ-પૂર્વ અને મધ્ય ઝોન છે, જેમાં બહેરામપુરા, દાણીલીમડા, વટવા, લાંભા સૌથી વધુ પ્રભાવિત છે. જોવાનું એ છે કે ગૃહમંત્રીના મત વિસ્તારમાં જ પાણીજન્ય રોગચાળાની સૌથી વધુ સમસ્યા છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી, ત્યાં સુધી કે મસમોટા ટેક્સના ફરમાન કરનારા અને પ્રજાને સામાન્ય સુવિધા પણ પૂરી ન પાડી શકનારા મ્યુનિ. કમિશનર અને ડેપ્યુટી કમિશનર પણ હજુ ઊંઘમાં જ છે. પ્રદૂષિત પાણીથી ત્રસ્ત લોકોએ દક્ષિણ ઝોનની કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર દેખાવ કર્યા, લોકોની સાથે સ્થાનિક કોર્પોરેટર પણ જોડાયા હતા અને દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણી મુદ્દે કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો હતો. આવા પ્રદૂષિત પાણીની ફરિયાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર, મેમનગર, સેટેલાઈટમાંથી પણ ઊઠી છે, જ્યાં કોર્પોરેશન દ્વારા ડહોળું પાણી આપવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદૂષિત પાણીની સમસ્યા માટે મ્યુનિ. કમિશનરને કોઈ રસ નથી. સ્માર્ટસિટીના નકારાત્મક એવા પ્રદૂષિત પાણીના આંકડા ઘટાડવા માટે સેમ્પલ લેવાની સંખ્યા જ ઓછી કરી નાખી અને 50 ટકા સેમ્પલ લેવાના છૂપા આદેશ આપ્યા હતા. જેથી સ્માર્ટ સિટીના કલંકરૂપ અનફિટ પાણીના આંકડા આપોઆપ જ ઘટી જાય. |