કિસ્સો-1 પૂર્વ પ્રેમિકા અન્ય યુવકના સંપર્કમાં છે તેવી શંકાના આધારે ચાંદલોડીયાના મિહીર ચૌધરીએ નિધી પંચાલનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સોલામાં નોંધાઈ.
કિસ્સો-2 સેટેલાઈટમાં રહેતી યુવતિ સાથે સંબંધ રાખવા માટે પૂર્વ પ્રેમી મજબૂર કરી રહ્યો હતો અને યુવતિનું ફેક એફબી એકાઉન્ટ બનાવી બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ સેટેલાઈટમાં થઈ.
કિસ્સો-3 કોચરબ ગામમાં ડાયવોર્સી યુવતિ સાથે ઝઘડો કરી પ્રેમીએ પેટમાં ચપ્પુ મારી દેતા એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવતિઓ તેમજ મહિલાઓ પર હુમલા થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય પણ આટલા કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા નથી. છેલ્લા એકાદ મહિનાની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં શારિરીક શોષણ અને હુમલાના દોઢેક ડઝન કિસ્સા બન્યા છે. જેમાં દિવ્યાંગ યુવતિનો પણ સમાવેશ થાય છે. અમરાઈવાડીની દિવ્યાંગ યુવતિ સાથે દુષ્કર્મ કરી તેને એક નરાધમે ગર્ભવતી બનાવી દીધી છે.
ચાંદલોડીયાની નિધી પંચાલની આજે જે હાલત છે તેના માટે પોલીસ જવાબદાર છે. હોસ્પિટલના બિછાને પડેલી નિધીએ અને તેના પિતાએ અનુક્રમે મહિલા પોલીસ સ્ટેશન તથા સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી મિહીર ચૌધરી સંબંધ રાખવા બ્લેકમેઈલ કરતો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. આમ છતાં પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. મોટા ભાગે છેડતી અને બ્લેકમેઈલીંગના કિસ્સાઓમાં પોલીસ ગંભીરતા દાખવતી નથી અને માત્ર ફરિયાદ કે અરજી લઈને સંતોષ માની લે છે.
સાયબર ક્રાઈમમાં સૌથી વધુ ફરિયાદ
એન્ડ્રોઈડ યુગમાં સૌથી વધુ યુવતિઓ અને મહિલાઓ પરેશાન છે. એક તરફી પ્રેમમાં પાગલ અથવા બ્રેકઅપ બાદ બદલો લેવા આતુર બોયફેન્ડ ફેક આઈડી બનાવી બિભત્સ ફોટા, કોમેન્ટ કરી યુવતિઓને બદનામ-પરેશાન કરવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં સૌથી વધુ કોઈ ફરિયાદ આવતી હોય તો તે છે ફેક આઈડી, બ્લેકમેઈલીંગ અને દુષ્પ્રચારની. જો કે, મોટાભાગની ઘટનાઓમાં ફરિયાદ કરવામાં આવતી નથી.
સી ટીમ રોમિયો પકડવામાં વ્યસ્ત
પોલીસ કમિશનરના આદેશથી યુવતિ-મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ બનાવવામાં આવી છે, પરંતુ આ સી ટીમ માત્રને માત્ર રોમિયો પકડવામાં વ્યસ્ત હોય છે. ભૂતકાળમાં નવરાત્રી સમયે મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમો રોમિયો પકડવા પાર્ટી પ્લોટ પર નહીં પરંતુ રિવરફ્રન્ટ પર જતી હતી. એક જ રાતમાં બાર-પંદર રોમિયો એક જ સ્થળેથી મહિલા પોલીસ પકડી લેતી હતી.